04 March, 2024 08:03 AM IST | Abu dhabi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી યુનાઇટેડ આરબ એમિરેટ્સના પ્રથમ હિન્દુ મંદિરના લોકાર્પણ દરમ્યાન
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)નું પ્રથમ હિન્દુ મંદિર લોકો માટે ખુલ્લું મુકાયું છે ત્યારે મંદિર દ્વારા ડ્રેસ-કોડને લઈને ખાસ સૂચના આપવામાં આવી છે. મંદિર દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બીએપીએસ હિન્દુ મંદિર એક પૂજાસ્થળ છે અને તમામ મુલાકાતીઓએ તેમનાં કપડાંની પસંદગી બાબતે ગાઇડલાઇન્સનું પાલન કરવું જોઈશે. ગાઇડલાઇન અનુસાર મુલાકાતીઓએ ગરદન, કોણી અને પગની ઘૂંટી સુધી શરીર ઢાંકેલું હોવું જરૂરી છે. વાંધાજનક ડિઝાઇનવાળી કૅપ, ટી-શર્ટ, પારદર્શક કે ટાઇટ-ફિટિંગ કપડાં પહેરવાની મનાઈ છે. એ ઉપરાંત એવી ઍક્સેસરીઝ પહેરવાનું પણ ટાળવું જોઈએ જેનાથી લોકોનું ધ્યાન વિચલિત થાય. મંદિરની વેબસાઇટ અનુસાર મંદિર પરિસરમાં પેટ્સને લઈ આવવાની પરવાનગી નથી અને ડ્રોનની પણ મંજૂરી નથી.
નરેન્દ્ર મોદીએ ૧૪ ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં UAEના આ પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ૧ માર્ચથી લોકો માટે ખુલ્લું મુકાયું હતું. UAE સરકારે ૨૦૧૫માં આ મંદિર માટે જમીન ફાળવી હતી, જેના પર આજે ૧૦૮ ફુટ ઊંચું મંદિર ઊભું છે. આ મંદિરને કારણે UAE અને ભારતના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બન્યા છે.
હિન્દુ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના પ્રતીક સમું આ મંદિર અત્યાધુનિક ટેક્નૉલૉજીથી સજ્જ છે. લગભગ ૭૦૦ કરોડના ખર્ચે બનેલા આ મંદિરમાં વિઝિટર્સ સેન્ટર, પ્રાર્થના-હૉલ, એક્ઝિબિશન, લર્નિંગ અને સ્પોર્ટ્સ એરિયા સહિતની સુવિધા છે.