24 March, 2025 10:27 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે આજીજી કરી રહ્યા છે મોહમ્મદ યુનુસ
બંગલાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ આગામી બે ઑફ બંગાલ ઇનિશિએટિવ ફોર મલ્ટિ-સેક્ટોરલ ટેક્નિકલ ઍન્ડ ઇકૉનોમિકલ કોઓપરેશન (BIMSTEC) શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની વિનંતી કરી રહ્યા છે. જોકે હજી સુધી ભારતે તેમને વડા પ્રધાન મોદી સાથે મળવાનો સમય આપ્યો નથી. વિદેશપ્રધાન એસ. જયશંકરને જ્યારે એક સંસદીય પૅનલે બેઠક અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે આ મામલે વિચારણા ચાલી રહી છે.
શનિવારે સંસદીય સલાહ-સૂચન સમિતિની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક સંસદસભ્યોએ બંગલાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે ભારત દ્વારા આ મામલે ઉઠાવવામાં આવેલાં પગલાં અંગે સવાલ કર્યા હતા.
બેઠકમાં એસ જયશંકરે સંસદસભ્યોને જણાવ્યું હતું કે ઢાકાની વચગાળાની સરકારે દાવો કર્યો છે કે બંગલાદેશમાં હિન્દુ સમુદાય પરના હુમલા રાજકીય રીતે પ્રેરિત હતા અને એને માઇનૉરિટી ટાર્ગેટેડ ન ગણવા જોઈએ. જયશંકરે સંસદસભ્યોને બંગલાદેશ, મૉલદીવ્ઝ, મ્યાનમાર અને શ્રીલંકા સાથે ભારતના સંબંધો વિશે પણ માહિતી આપી હતી. જોકે તેમણે પાકિસ્તાન અને ચીનના મુદ્દાઓ પર બાદમાં ચર્ચા કરવાનો સંકેત આપ્યો અને કહ્યું કે આ બેઠકમાં આ મુદ્દાઓ અલગથી ઉઠાવવામાં આવશે