ચૂંટણી-બૉન્ડને લગતા કેસમાં નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધાવવા માટે બૅન્ગલોરની કોર્ટે આપ્યો આદેશ

29 September, 2024 09:42 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

બૉન્ડથી કૉર્પોરેટ ગૃહો પાસેથી બળજબરી નાણાં પડાવવામાં આવ્યાં હોવાનો જનાધિકાર સંઘર્ષ પરિષદનો આરોપ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

બૅન્ગલોરની સ્પેશ્યલ પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ કોર્ટે ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા જબરદસ્તીથી નાણાં પડાવવાના કેસમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ ફરિયાદ જનાધિકાર સંઘર્ષ પરિષદના આદર્શ ઐયરે કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચૂંટણી-બૉન્ડ દ્વારા સીતારમણ સહિત અનેક નેતાઓએ કૉર્પોરેટ ગૃહોને ડરાવીને અને ધમકાવીને નાણાં પડાવ્યાં હતાં.

આ સંદર્ભમાં કરવામાં આવેલી ફરિયાદમાં માત્ર સીતારમણ જ નહીં, પણ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જે. પી. નડ્ડા, કર્ણાટકના BJP નેતાઓ નલિન કુમાર કતિલ અને બી. વાય વિજયેન્દ્રનાં નામ સામેલ છે. તમારા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની રેઇડ પાડવામાં આવશે એવી ધમકી આપીને કૉર્પોરેટ ગૃહોને કરોડો રૂપિયાનાં ચૂંટણી-બૉન્ડ ખરીદવાની ફરજ પાડવામાં આવી હતી. આ બૉન્ડ બાદમાં BJPના નેતાઓએ રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે વટાવી લીધાં હતાં. ફરિયાદીએ દાવો કર્યો હતો કે જમા કરવામાં આવેલી ગેરકાયદે રકમનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે વાપરવા ચૂંટણી-બૉન્ડ યોજના ઉપયોગી હતી અને સીતારમણ સહિતના નેતાઓ એમાં સામેલ હતાં. આ કેસમાં એ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનો બચાવ કર્યો હતો અને આરોપોને રાજકીય હેતુથી પ્રેરિત અને બદઇરાદાપૂર્વકના ગણાવ્યા હતા. ચૂંટણી-બૉન્ડ એ નીતિવિષયક નિર્ણય છે અને એ ક્રિમિનલ નથી.

national news bengaluru nirmala sitharaman india Crime News