બૅન્ગલોરમાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધ્વસ્ત

23 October, 2024 10:53 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

૨૦ મજૂર દટાઈ ગયાનો ભય, ત્રણનાં મોત

બૅન્ગલોરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે એક નિર્માણાધીન બિલ્ડિંગ તૂટી પડતાં ૨૦ મજૂર દટાયા હતા

બૅન્ગલોરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે એક નિર્માણાધીન બિલ્ડિંગ તૂટી પડતાં ૨૦ મજૂર દટાયા હતા, જેમાંથી બે જણને બહાર કાઢવામાં ફાયર-બ્રિગેડને સફળતા મળી છે, ત્રણ મજૂરોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે અને હાલ બચાવ-કામગીરી ચાલુ છે, મરણાંક વધવાની આશંકા છે. સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમ પણ બચાવકાર્યમાં સામેલ છે.

વરસાદથી બચવા માટે મજૂરો નિર્માણાધીન બિલ્ડિંગમાં જતા રહ્યા હતા. બિલ્ડિંગ તૂટી પડતાં જોઈને મજૂરો બહાર દોડ્યા હતા છતાં આશરે ૨૦ મજૂરો એની નીચે ફસાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે બિલ્ડિંગ તૂટી પડ્યું હોવાનું મનાય છે. ફાયર-બ્રિગેડે જણાવ્યું હતું કે આખું બિલ્ડિંગ પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યું હતું.

બીજી તરફ સતત વરસાદને કારણે બૅન્ગલોરના નૉર્થ વિસ્તાર યલહંકામાં કમર સુધીનાં પાણી ભરાઈ ગયાં છે અને લોકોને ઘરમાં જ રહેવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં સૌથી વધારે નુકસાન થયું છે. બોટમાં બેસીને લોકોને રાહત-સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.

bengaluru karnataka national news news india Weather Update