07 June, 2023 09:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રેસલિંગ ફેડરેશનના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધના વિરોધ-પ્રદર્શનમાં અગ્રેસર ઑલિમ્પિક રેસલર બજરંગ પુનિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે પ્રદર્શનકર્તાઓને ગૃહપ્રધાન અમિત શાહ સાથે શનિવારે મોડી રાતે મીટિંગ વિશે વાત ન કરવા સરકારે જણાવ્યું હતું.
બજરંગ પુનિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘આંદોલન ચાલુ જ છે. હવે પછી શું કરવું એને માટે અમે રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ.’ એવી અફવા છે કે રેસલર્સે ગૃહપ્રધાન સાથે ડીલ કરી છે અને હવે તેઓ વધુ વિરોધ-પ્રદર્શન નહીં કરે. એ વિશે પુનિયાએ કહ્યું કે ‘કોઈ સેટિંગ નથી. સરકારની વાતથી રેસલર્સ સંમત નથી અને રેસલર્સે જે બાબત કહી છે એનાથી સરકાર પણ સંમત હોય એમ જણાતું નથી.’
ગૃહપ્રધાન સાથેની વાતચીત વિશે તેણે વધુમાં કહ્યું કે ‘એક બાજુ અમને સરકારના લોકો દ્વારા કહેવામાં આવ્યું કે આ મીટિંગ વિશે ક્યાંય પણ કશું બોલવાનું નથી. એ પછી પણ આ મીટિંગની વિગતો લીક થઈ. અમે ગૃહપ્રધાનને સવાલ કર્યો કે શા માટે બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવી નથી. આવો કેસ ભારતમાં પહેલી વખત થયો છે. તેમણે જણાવ્યું હતું કે અમે વાત કરી રહ્યા છીએ અને આ મામલે ચોક્કસ ઍક્શન લેવામાં આવશે. તેમણે અમને આશ્વાસન આપ્યું છે.’