01 October, 2024 03:30 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
આપઘાત માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર
લખનઉમાં બજાજ ફાઇનૅન્સ કંપનીના ૪૨ વર્ષના કર્મચારી તરુણ સક્સેનાએ વર્ક-પ્રેશરથી કંટાળીને આત્મહત્યા કરી હતી. તેણે સુસાઇડ-નોટમાં તેના સિનિયર અધિકારીઓ પર કામકાજના પ્રેશરનો આરોપ લગાવ્યો હતો. જોકે આ મુદ્દે કંપનીએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તરુણ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એરિયા-મૅનેજર તરીકે કાર્યરત હતો. ગઈ કાલે સવારે તે તેના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તેના પરિવારમાં માતા-પિતા, પત્ની મેધા, બે બાળકો યથાર્થ અને પીહુનો સમાવેશ છે. પાંચ પાનાંની સુસાઇડ-નોટમાં તેણે આરોપ લગાવ્યો છે કે તેના સિનિયરો ટાર્ગેટ પૂરો કરવા માટે ગયા બે મહિનાથી પ્રેશર આપતા હતા અને એ પૂરો નહીં થાય તો કાપ મૂકવામાં આવશે એવી ધમકી આપતા હતા. તેને ડર હતો કે તેની નોકરી જતી રહેશે. તેણે લખ્યું છે કે તે ‘હું ૪૫ દિવસથી ઊંઘી શક્યો નથી. મેં મારો વિશ્વાસ ગુમાવી દીધો છે અને હું જઈ રહ્યો છું.’
તેણે બાળકોની આખા વર્ષની ફી ભરી દીધી હતી અને મમ્મી-પપ્પાને વિનંતી કરી હતી કે બધાનું ધ્યાન રાખજો, બીજો માળ બાંધી દેજો જેથી મારી પત્ની અને બાળકો ત્યાં સુખેથી રહી શકે.
તેણે સુસાઇડ-નોટમાં તમામ અધિકારીઓનાં નામ પણ લખ્યાં છે અને જણાવ્યું છે કે મારા નિર્ણય પાછળ આ લોકો જવાબદાર છે. પરિવારના લોકોને પણ લખ્યું છે કે આ લોકોની સામે પોલીસ-ફરિયાદ કરજો.