27 November, 2024 10:48 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરની ફાઇલ તસવીર
આ વર્ષે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બાંધવામાં આવ્યા બાદ ૨૨ જાન્યુઆરીએ એની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, પણ એની પહેલી વર્ષગાંઠ ૨૦૨૫માં ૨૨ જાન્યુઆરીએ નહીં પણ ૧૧ જાન્યુઆરીએ મનાવવામાં આવશે. આ સંદર્ભનો નિર્ણય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસની બેઠકમાં લેવામાં આવ્યો હતો. દર વર્ષે હિન્દુ તિથિ અનુસાર પોષ સુદ દ્વાદશી (કૂર્મ દ્વાદશી)એ એ મનાવવામાં આવશે અને એને પ્રતિષ્ઠા દ્વાદશી નામ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે પોષ સુદ બારસે મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ મુદ્દે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ‘ન્યાસની બેઠકમાં બીજા પણ ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંદિરનું નિર્માણકાર્ય આગામી ઑક્ટોબર સુધીમાં પૂરું થશે. ન્યાસે લીધેલા નિર્ણયોની જાણકારી મંદિરના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આપવામાં આવી છે.’
પ્રશિક્ષિત પૂજારીઓની નિયુક્તિ શરૂ
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ તરફથી પૂજારી પ્રશિક્ષણ યોજના હેઠળ છ મહિનાની ટ્રેઇનિંગ લેનારા પૂજારીઓને નિયુક્ત કરવાનો રસ્તો સાફ થયો છે. બોર્ડ ઑફ ટ્રસ્ટીઝે આવી નિયુક્તિ માટેની નિયમાવલિને મંજૂરી આપી દીધી છે. એની શરતોનું પાલન કરનારા પૂજારીઓને નિયુક્ત કરવામાં આવશે. આ નિયમાવલિની મુખ્ય શરત એ છે કે શ્રી રામ જન્મભૂમિમાં રામ મંદિરમાં રામલલાની પૂજા-અર્ચના કરવા સિવાય રોટેશનના આધારે પરિસર અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલાં તમામ ૧૮ મંદિરોમાં પણ પૂજારીઓએ પૂજા-અર્ચના કરવી પડશે.