18 February, 2025 09:53 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાનાં દર્શન કરતા ભક્તો.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે એનો ફાયદો કાશી, મથુરાનાં મંદિરો ઉપરાંત અયોધ્યાના રામ મંદિરને પણ થઈ રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો રામલલાનાં દર્શન કરી રહ્યા હોવાથી એક વર્ષમાં ૭૦૦ કરોડ રૂપિયાનું દાન મંદિરને મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ રામ મંદિરે દાનની દૃષ્ટિએ ત્રીજા નંબરે રહેતા વૈષ્ણોદેવી મંદિરને પાછળ રાખી દીધું છે.
રામજન્મભૂમિ અયોધ્યામાં ભગવાન રામના બાળસ્વરૂપ રામલાલની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ગયા વર્ષે ૨૨ જાન્યુઆરીએ કરવામાં આવી હતી. અત્યાર સુધી ૧૩ કરોડ ભક્તોએ મંદિરમાં દર્શન કર્યાં છે જેને લીધે મંદિરને પહેલા વર્ષે ૭૦૦ કરોડથી વધુ રૂપિયાનું દાન મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ દાનરૂપે થતી આવકમાં રામલલાના મંદિરે ગોલ્ડન ટેમ્પલ, વૈષ્ણોદેવી અને શિર્ડીના સાંઈબાબાના મંદિરને પાછળ રાખી દીધાં છે. અયોધ્યાના રામ મંદિરની આવકનો આ આંકડો ગયા વર્ષે પ્રાણપ્રતિષ્ઠા થયાથી આ વર્ષના જાન્યુઆરી મહિનાના અંત સુધીનો છે. કુંભના મેળામાં સ્નાન કરવા જઈ રહેલા ભક્તો અયોધ્યા પણ જઈ રહ્યા છે જેને લીધે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો રામલલાનાં દર્શન કરી રહ્યા છે. મકરસંક્રાન્તિથી આ સિલસિલો ચાલી રહ્યો છે.
અયોધ્યાના રામ મંદિરમાં દાન આપવા માટે ૧૦ પેટી રાખવામાં આવી છે. ભક્તો આ પેટી છલકાવી રહ્યા છે.