29 January, 2025 10:48 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યામાં જનમેદની
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં લોકોનો જબરદસ્ત ધસારો થઈ રહ્યો છે ત્યારે બનારસ અને અયોધ્યા પણ યાત્રાળુઓથી હાઉસફુલ છે. અયોધ્યામાં તો એવી પરિસ્થિતિ છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચમ્પત રાયે એક જાહેર સૂચના બહાર પાડીને અયોધ્યાની આસપાસના લોકોને ૧૫-૨૦ દિવસ પછી રામલલાનાં દર્શન કરવા આવવાનું કહ્યું છે, જેથી દૂર-દૂરથી આવનારા શ્રદ્ધાળુઓ રામલલાનાં દર્શન કર્યા વગર પાછા ન જાય.
ચમ્પત રાયે ગઈ કાલે સોશ્યલ મીડિયાના માધ્યમથી બહાર પાડેલા નિવેદનમાં કહ્યું હતું કે ‘પ્રયાગરાજમાં ૨૯ જાન્યુઆરીએ મહાકુંભમાં મૌની અમાવસ્યાનું મુખ્ય સ્નાન છે. અનુમાન છે કે લગભગ ૧૦ કરોડ શ્રદ્ધાળુઓ ૨૯ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં સ્નાન કરશે. ઘણી મોટી સંખ્યામાં પ્રયાગરાજથી ભક્તજનો અયોધ્યાજી પહોંચી રહ્યા છે. ટ્રેન અને રોડ એમ બન્ને માર્ગથી ભક્તજનો પ્રયાગરાજથી અયોધ્યા આવી રહ્યા છે. ગયા ૩૦ દિવસમાં અયોધ્યાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. અયોધ્યાધામની જનસંખ્યા અને આકાર જોતાં એવું કહી શકાય કે આટલી મોટી સંખ્યામાં ભક્તોને એક દિવસમાં રામલલાનાં દર્શન કરાવવાં ઘણું કઠિન કામ છે અને આને કારણે ભક્તોને પરેશાની થઈ રહી છે. પરિણામે કોઈ પણ પ્રકારની દુર્ઘટનાને રોકવા માટે આવશ્યક થઈ ગયું છે કે વ્યવસ્થામાં જરૂરી એવું પરિવર્તન કરવામાં આવે. ભક્તોને વધારે પ્રમાણમાં ચાલવું પણ પડી રહ્યું છે. અમારું નિવેદન છે કે અયોધ્યાની આસપાસ રહેતા ભક્તજનો ૧૫-૨૦ દિવસ બાદ દર્શન માટે અયોધ્યાજી પધારે જેથી દૂરથી આવનારા ઘણા ભક્તો હાલમાં સુવિધાથી પ્રભુનાં દર્શન કરી શકે. એનાથી બધાને સુવિધા થશે. વસંતપંચમી બાદ ફેબ્રુઆરી મહિનામાં ઘણી રાહત રહેશે અને મોસમ પણ સારી થઈ જશે. આસપાસના ભક્તો જો ત્યારે અહીં આવવાનો કાર્યક્રમ બનાવે તો એ શ્રેષ્ઠ રહેશે. આ નિવેદન પર અવશ્ય વિચાર કરજો.’