13 August, 2024 08:30 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
આશરે ૫૦૦ વર્ષના ઇન્તેજાર બાદ બનેલા અયોધ્યાના રામ મંદિરમાં રેકૉર્ડબ્રેક દાન-દક્ષિણાનો ચડાવો થઈ રહ્યો છે અને રામમંદિરના ભૂમિપૂજન બાદ ચાર વર્ષમાં ભાવિકોએ મંદિરની દાનપેટી છલકાવી દીધી છે. અત્યાર સુધી રામ મંદિર માટે કુલ પંચાવન અબજ રૂપિયાનું દાન મળ્યું છે.
રામ મંદિર ટ્રસ્ટે રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન બાદ ૨૦૨૧માં નિધિ સમર્પણ અભિયાન હાથ ધર્યું હતું એમાં મંદિરને ૩૫૦૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. એમાં વિદેશથી પણ રામભક્તોએ દાન મોકલ્યું હતું અને સૌથી વધારે વિદેશી દાન અમેરિકા અને નેપાલથી આવ્યું હતું.
૩૫૦૦ કરોડ રૂપિયાના દાન બાદ છેલ્લાં ૩ વર્ષમાં મંદિરને વધુ ૨૦૦૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું અને આમ કુલ ૫૫૦૦ કરોડ એટલે કે પંચાવન અબજ રૂપિયાનું દાન મળી ગયું છે. એમાં કેટલાક દાન આપનારા એવા છે જેમણે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે અને એમાં કેટલાક કિલો સોના-ચાંદીનો સમાવેશ છે.
રોજ ૧ કરોડનો ચડાવો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષની શરૂઆતમાં બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ રોજ દેશ-વિદેશથી ભાવિકો મોટી સંખ્યામાં આવે છે અને દરરોજ આશરે એક કરોડ રૂપિયાનો ચડાવો મંદિરમાં આવે છે.