30 June, 2022 08:54 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ફુલ સ્પીડમાં કામગીરી ચાલી રહી છે
અયોધ્યા : અયોધ્યામાં નિર્માણ પામનારા રામમંદિરનાં દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓને તિરુપતિ બાલાજી મંદિર જેવી જ સુવિધાઓ મળશે. એના માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી એક પ્રતિનિધિમંડળ તિરુપતિ મોકલવામાં આવ્યું છે જેથી ત્યાં જઈને એ મંદિરની સમગ્ર વ્યવસ્થાનો અભ્યાસ થઈ શકે. નોંધપાત્ર છે કે અયોધ્યામાં રામમંદિરનાં દર્શન માટે આવનારા તીર્થયાત્રીઓની સંખ્યા સતત વધી રહી છે.
સામાન્ય દિવસોમાં દરરોજ ૨૦થી ૨૫ હજાર લોકો રામલલાનાં દર્શન માટે આવે છે. જોકે કોઈ ખાસ પ્રસંગે એ સંખ્યા એક લાખથી વધી જાય છે. માનવામાં આવી રહ્યું છે કે ભવ્ય રામમંદિરના નિર્માણ બાદ અહીં દરરોજ ૭૫ હજારથી એક લાખ લોકો આવશે, જ્યારે વિશેષ પ્રસંગોએ આ સંખ્યા ત્રણ લાખ સુધી પહોંચી શકે છે. એટલા માટે જ ભારે ભીડ છતાં પણ લોકોને અગવડ ન પડે એ માટે મંદિર ટ્રસ્ટ અત્યારથી જ ખ્યાલ રાખી રહ્યું છે. આ જ કારણે શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટની એક ટીમ તિરુપતિ બાલાજીના મૅનેજમેન્ટને સમજવા અને શીખવા માટે ગઈ છે. નોંધપાત્ર છે કે તિરુપતિ બાલાજી મંદિરમાં દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ રોજેરોજ આવે છે.