12 January, 2024 10:01 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
લાલ કૃષ્ણ અડવાની
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : રામજન્મભૂમિ ચળવળમાં મોખરે રહેલા બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેશે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોક કુમારે જણાવ્યું હતું કે ‘અડવાણીજીએ કહ્યું છે કે તેઓ રામમંદિર ઉદ્ઘાટનમાં હાજરી આપશે. જો જરૂર પડશે તો અમે તેમના માટે ખાસ વ્યવસ્થા કરીશું. તો પાર્ટીના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી કાર્યક્રમમાં હાજરી આપવાનો પ્રયત્ન કરશે.’
બીજેપીના સ્થાપક સભ્યો એલ. કે. અડવાણી (૯૬) અને મુરલી મનોહર જોશી ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં રામજન્મભૂમિ ચળવળમાં મોખરે હતા. રામમંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે ગયા મહિને કહ્યું હતું કે ‘અડવાણી અને જોશી બંને પરિવારના વડીલો છે અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને ન આવવા વિનંતી કરવામાં આવી હતી, જેને બંનેએ સ્વીકારી લીધી હતી.’
રાયના નિવેદન બાદ વિવાદ શરૂ થયો હતો અને વીએચપીના કાર્યકારી પ્રમુખ કુમારે અડવાણી અને જોશીને પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. કૉન્ગ્રેસે અયોધ્યામાં ભવ્ય સમારોહમાં હાજર રહેવાનું આમંત્રણ ફગાવ્યું છે એ વિશે કુમારે જણાવ્યું હતું કે ‘એ તેમની (કૉન્ગ્રેસ) ઇચ્છા છે. જેમ અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું એમ અમે વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું. અમે બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાને આમંત્રણ આપ્યું હતું એ રીતે અન્ય પાર્ટીના પ્રમુખોને પણ આમંત્રણ આપ્યું હતું. અમે માનીએ છીએ કે આ પ્રસંગ તમામ હિન્દુઓ માટે તહેવાર છે.’