તારીખ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ પછીનું ભારત‍

24 January, 2024 08:55 AM IST  |  Mumbai | Dr. Vishnu Pandya

રામ જન્મભૂમિને બાબરી મસ્જિદ ગણવાની જીદ રાખવામાં આવી ન હોત અને સેક્યુલરિઝમના નામે આઝાદીનાં આટલાં વર્ષો સુધી રામ જન્મભૂમિની લાગણી ધરાવનારા હિન્દુઓની ઉપેક્ષા ન થઈ હોત તો આ દિવસનું જરીકેય મહત્ત્વ રહ્યું ન હોત.

અમિતાભ બચ્ચન અયોધ્યા રામ મંદિરમાં

કેટલાક સાંકેતિક દિવસો દરેક સમાજ અને દેશ માટે નિર્મિત હોય છે. ભારત માટે ૨૬ જાન્યુઆરી તો છેક ૧૯૩૦માં પૂર્ણ સ્વરાજની માગણી થઈ ત્યારથી એક ઐતિહાસિક દિવસ બની ગઈ, ૧૫ ઑગસ્ટ એવો બીજો દિવસ, જ્યારે ભારત ૨૦૦ વર્ષની બ્રિટિશ ગુલામીમાંથી મુક્ત થયું. આમ તો એ દિવસ જપાનના પરાજય અને મિત્ર-દેશોના વિજયનો ગણાય, કેટલાક ઇતિહાસકારો નોંધે છે કે લૉર્ડ માઉન્ટબેટને જાણીજોઈને ભારતની આઝાદીનો એ દિવસ નક્કી કર્યો, કેમ કે પશ્ચિમ વિભાગમાં વિશ્વયુદ્ધના તેઓ સેનાપતિ હતા. ભારતના તત્કાલીન નેતાઓ બિચારા ભૂલી ગયા કે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ સેનાએ  જપાન સાથે  બર્મા, ઇમ્ફાલથી પીછેહઠ કરવી પડી હતી અને એનું અભિમાન માઉન્ટબેટનને ૧૫ ઑગસ્ટ નક્કી કરવાનું નિમિત્ત હતું. એ તો જાણીતો પ્રસંગ છે કે રંગૂન-સિંગાપોરની મુલાકાત દરમ્યાન જવાહરલાલ નેહરુ આઝાદ હિન્દ ફોજના સ્મારક પર અંજલિ આપવા ન જાય એ માટે એડવિના માઉન્ટબેટને નેહરુને સમજાવ્યા હતા. ૧૯૪૫નો એ પ્રસંગ છે અને નેહરુ એ બન્નેની વાત માની ગયા હતા. પાકિસ્તાન અને બૅરિસ્ટર ઝીણા  જાણે-અજાણે માઉન્ટબેટનની યોજનામાં ફસાયા નહીં અને ૧૫ને બદલે ૧૪ ઑગસ્ટે પાકિસ્તાનનો સ્વાતંત્ર્ય દિવસ મનાવ્યો, એટલું જ નહીં, માઉન્ટબેટનને ગવર્નર જનરલ તરીકેનું સ્થાન શોભાવવાનીયે ઘસીને ના પડી દીધી હતી. ભારતના કૉન્ગ્રેસી આગેવાનો એવું કરી ન શક્યા, આઝાદી પછી પણ સેનાધિપતિ સહિતના કેટલાક મહત્ત્વના હોદ્દા પર બ્રિટિશ માલિકો રહ્યા હતા.

૧૫ ઑગસ્ટ એ રીતે ખંડિત ભારતનો દિવસ પણ ગણાય. ઇતિહાસ એને અનેક રીતે ભારત ભાગ્ય વિધાતા તરીકે સ્થાપિત કરે છે.

૨૨ જાન્યુઆરી થોડા અલગ રીતે એક નવા પડાવનો દિવસ બની ગયો! રામ જન્મભૂમિને બાબરી મસ્જિદ ગણવાની જીદ રાખવામાં આવી ન હોત અને સેક્યુલરિઝમના નામે આઝાદીનાં આટલાં વર્ષો સુધી રામ જન્મભૂમિની લાગણી ધરાવનારા હિન્દુઓની ઉપેક્ષા ન થઈ હોત તો આ દિવસનું જરીકેય મહત્ત્વ રહ્યું ન હોત. સોમનાથનો જીર્ણોદ્ધાર થયો ત્યારે કોઈ ગઝનીના વારસદારોએ એના પર હક જતાવ્યો નહીં એટલે ત્યાં કોઈ વિવાદ કે ઉત્પાત થયો નહીં. બાબર પણ ગઝનીની જેમ અયોધ્યા રોકાયો નહોતો અને એ મીર બાકીને સોંપી દીધું હતું. સોમનાથ પર ઔરંગઝેબના સુબાએ આક્રમણ કર્યું ત્યાર પછી  સોમનાથ માટે એવું કાંઈ સૂઝ્‍યું નહીં એટલે એ બચી ગયું. જોકે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું એ સફળ થયું હોત તો ઇતિહાસ જુદો હોત, પણ જૂનાગઢ મુક્તિ માટે રચાયેલી આરઝી હકૂમત અને સરદાર વલ્લભભાઈની દૃઢતાએ એવું થવા ન દીધું.

એટલે આ ૨૦૨૪ની ૨૨ જાન્યુઆરીનો દિવસ સહજ રીતે ભારતવાસીઓ અને વિદેશના ભારતવાસીઓ માટે ઐતિહાસિક બની ગયો. અને કેમ ન બને? અયોધ્યા અને રામજન્મભૂમિ મંદિરને નષ્ટ કરવા માટે એક નહીં, કુલ ૬૦ યુદ્ધ થયાં. મિલિંદથી શરૂઆત થઈ અને બાબર, મીર બાકી, વાજીદ અલી, અકબર, ઔરંગઝેબ, શઆદત અલી, નાઇદ હૈદર, સાલાર મસૂદ, હુમાયુ સહિતના શહેનશાહોના સમય દરમ્યાન કુલ ૬૦  યુદ્ધ થયાં. મીર બાકીના આક્રમણ સમયે એક લાખ સિત્તેર હજાર લોકો મરાયા અને એનો કુલ આંકડો ૩ લાખ ૫૦ હજાર થવા જાય છે. હવે આટલા રક્તપાત પછી ત્યાં પુન: પ્રતિમા પ્રતિષ્ઠા થતી હોય તો કોને આનંદની અનુભૂતિ ન થાય? ૨૨મીએ આવું જ બન્યું. બીજી દીપોત્સવી જેવો એનો મિજાજ હતો.

એક ત્રીજી વાત નોંધવા જેવી છે. રામ કોઈ એક વ્યક્તિ નથી, સંસ્કૃતિનું શ્રેષ્ઠ પ્રતીક બનીને આવ્યા. કુલ ૧૦ અવતારોમાં તેઓ સાતમો અવતાર હતા અને શ્રીકૃષ્ણની જેમ સંપૂર્ણ મનુષ્યઅવતાર હતા. એટલે તો એક પુત્ર, પિતા, ભાઈ, પતિ, રાજા, શિષ્ય, મિત્ર અને દુશ્મન - એમ તમામ સ્વરૂપે આદર્શ સ્થાપિત કર્યો. રાવણના નાશ પછી એનું પ્રાયશ્ચિત્ત કરવા રામે તપ કર્યું હતું અને આદર્શ રાજ્યની સ્થાપના કરી એટલે તો ત્યારથી રામરાજ્યનો સંકલ્પ શરૂ થયો. તેમના ‘વચન’ની પરંપરા રહી, ‘રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાએ પર વચન ન જાઈ.’ આ વચનમાંથી વર્તમાન વડા પ્રધાને ‘ગૅરન્ટી’ ખાતરી, વિશ્વસનીયતાની ભાવના મેળવી હશે?

આગામી દિવસોમાં કાળચક્ર બદલ્યાનો એહસાસ થશે? પરિવર્તનની હવા તો સર્જાઈ છે. કેટલાક નિર્ણયો કાયમ માટે ઉકેલાયા વિનાના રહેશે એવી નિરાશ માનસિકતા બદલાઈ રહી છે એ શુભ નિશાની છે. રામથી રાષ્ટ્ર, દેવથી દેશ, આગથી ઊર્જા એ સૂત્રો તો વડા પ્રધાને આપ્યાં અને ત્યાં એકત્રિત સાધુ-સંત, ઉદ્યોગપતિ, વિદ્વાન, યુવક સૌએ સ્વીકારી લીધાં એ દેખાતું હતું. હવે એનું અમલીકરણ દરેક સ્તરે થશે?

આનો જવાબ જ ૨૨ જાન્યુઆરીના મહત્ત્વને સાબિત કરી શકશે.

national news ayodhya ram mandir