16 December, 2024 06:53 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
અતુલ સુભાષની પત્ની નિકિતા, સાસુ નિશા અને સાળો અનુરાગ ધરપકડ પછી.
પત્ની, સાસરિયાં અને સિસ્ટમની હેરાનગતિથી ત્રાસી ગયો છું એવો આરોપ મૂકીને આત્મહત્યા કરનારા બૅન્ગલોરના અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાની ગુડગાંવમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નિકિતાની મમ્મી નિશા સિંઘાનિયા અને નિકિતાના ભાઈ અનુરાગની પણ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્રણેયને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયાં છે.
પત્ની અને સાસરિયાં તેની પાસેથી પૈસા પડાવવા કેવી રીતે તેને મેન્ટલી ટૉર્ચર કરતાં હતાં, ન્યાયતંત્રની એમાં કેવી મિલીભગત હતી એની વિગતવાર છણાવટ બૅન્ગલોરના ૩૪ વર્ષના કમ્પ્યુટર એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા કરતાં પહેલાં બનાવેલા દોઢ કલાકના વિડિયોમાં અને ૨૪ પાનાંની સુસાઇડ-નોટમાં કરી હતી. ગઈ કાલના ‘મિડ-ડે’માં અતુલ સુભાષની આ કથનીનો ૪ પાનાંનો અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો હતો.
અતુલ સુભાષની આત્મહત્યાને પગલે કાયદાની જોગવાઈઓના દુરુપયોગ વિશે, ખાસ કરીને ઇન્ડિયન પીનલ કોડ (IPC)ના સેક્શન 498 (A) વિશે સોશ્યલ મીડિયા પર વ્યાપક ચર્ચા શરૂ થઈ છે. પત્ની સામેની પતિ અને સાસરિયાંની ક્રૂરતાને ગુનો ગણીને પત્નીને મદદરૂપ થતા સેક્શન 498 (A)ના દુરુપયોગને કારણે કેટલાય પુરુષો અને પરિવારો હેરાન થઈ રહ્યા છે એ બાબતે અતુલ સુભાષના કેસને કારણે રાષ્ટ્રવ્યાપી ચર્ચા શરૂ થઈ છે. IPCની જગ્યાએ હવે અમલમાં આવેલી ભારતીય ન્યાય સંહિતા (BNS)ના સેક્શન 85 અને 86માં પણ 498 (A) જેવી જોગવાઈઓ છે.
અતુલ સુભાષના પિતાનું આક્રંદ- ખબર નહીં અમારો પૌત્ર જીવે છે કે પછી તેને પણ મારી નાખ્યો છે
અતુલ સુભાષનાં પત્ની, સાસુ અને સાળાની ધરપકડ થયા પછી અતુલના પપ્પા પવન કુમાર મોદીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અપીલ કરી છે કે અતુલનો ૪ વર્ષનો દીકરો અમને સોંપવામાં આવે. મીડિયા સાથે વાત કરતાં પવન કુમાર મોદીએ કહ્યું હતું કે ‘અમને ખબર નથી કે અમારા પૌત્રને અતુલની પત્નીએ ક્યાં રાખ્યો છે. તે જીવતો પણ છે કે તેને મારી નાખ્યો છે એનીયે ખબર નથી. હું ઇચ્છું છું કે મારો પૌત્ર અમારી સાથે હોય.’