આતિશી બન્યાં દિલ્હીનાં યંગેસ્ટ, ત્રીજાં ચીફ મિનિસ્ટર

22 September, 2024 08:32 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આતિશી દિલ્હીમાં કાલકાજી વિધાનસભા વિસ્તારનાં વિધાનસભ્ય છે

આતિશી

દિલ્હીનાં મુખ્ય પ્રધાન તરીકે ગઈ કાલે આતિશીએ શપથ ગ્રહણ કર્યા હતા અને તે દિલ્હીનાં સૌથી યંગેસ્ટ મુખ્ય પ્રધાન બન્યાં હતાં.

આમ આદમી પાર્ટી (AAP)નાં સિનિયર નેતા આતિશી અને તેમના પ્રધાનમંડળને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ રાજ નિવાસ ખાતે ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણ સમારોહ પહેલાં તમામ પ્રધાનો AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને મળ્યા હતા.

દિલ્હીનાં મુખ્ય પ્રધાન બનનારાં આતિશી ત્રીજાં મહિલા છે, આ પહેલાં સુષમા સ્વરાજ અને શીલા દીક્ષિત દિલ્હીનાં મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે.

દિલ્હી શરાબ-કૌભાંડમાં પકડવામાં આવ્યા બાદ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું.

આતિશી દિલ્હીમાં કાલકાજી વિધાનસભા વિસ્તારનાં વિધાનસભ્ય છે અને ૧૭ સપ્ટેમ્બરે પાર્ટીની વિધાયક દળની બેઠકમાં તેમની નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી.

પ્રધાનમંડળમાં કોનો સમાવેશ?

આતિશીના પ્રધાનમંડળમાં ગોપાલ રાય, કૈલાશ ગેહલોટ, સૌરભ ભારદ્વાજ અને ઇમરાન હુસૈનનો સમાવેશ છે. અગાઉની કેજરીવાલ સરકારમાં પણ તેઓ પ્રધાન હતા. એક પોસ્ટ ખાલી રાખવામાં આવી છે.

દલિત નવો ચહેરો

આતિશીની કૅબિનેટમાં પહેલી વારના વિધાનસભ્ય અને દલિત નેતા મુકેશ અહલાવતને સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ સુલતાનપુર માજરા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. તેમના સમાવેશથી AAP સરકાર પછાત વર્ગોમાં એનો પ્રભાવ પહોંચાડવામાં મદદરૂપ સાબિત થશે.

 

national news arvind kejriwal aam aadmi party delhi news new delhi Atishi Marlena