17 April, 2023 11:26 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
અતીક અહમદ
ઉત્તર પ્રદેશમાં દસકાઓ સુધી લોકોના મનમાં ગૅન્ગસ્ટરમાંથી પૉલિટિશ્યન બનનારા અતીક અહમદનો આતંક હતો. તે માત્ર ૧૭ વર્ષની ઉંમરે હત્યાના કેસમાં આરોપી બન્યો હતો. અનેક અપરાધ કર્યા બાદ તે ફુલપુર લોકસભાની બેઠક પરથી સંસદસભ્ય બન્યો હતો, જેનું ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ પ્રતિનિધિત્વ કર્યું હતું. છેલ્લા ચાર દસકમાં અતીકની વિરુદ્ધ ખંડણી, અપહરણ અને મર્ડર સહિત ૧૦૦થી પણ વધારે કેસ નોંધવામાં આવ્યા છે. જોકે, બીએસપીના વિધાનસભ્ય રાજુ પાલની હત્યાના સાક્ષી ઉમેશ પાલની ગયા વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ હત્યા બાદ અતીક લાઇમલાઇટમાં આવ્યો હતો. અતીક સાક્ષીઓને લાંચ આપીને, તેમને ધમકાવીને હંમેશાં કાયદાની પકડમાંથી છૂટી જતો હતો.
૧૯૮૯માં અતીકે ૨૭ વર્ષની ઉંમરે પૉલિટિક્સમાં તેનું નસીબ અજમાવ્યું હતું કે જ્યારે તેણે બાહુબલીનું ટૅગ મેળવ્યું. એ જ વર્ષે તે અપક્ષ ઉમેદવાર તરીકે અલાહાબાદ પશ્ચિમ વિધાનસભાની સીટ પરથી જીત્યો હતો. તે સળંગ પાંચ મુદત સુધી અલાહાબાદ પશ્ચિમ બેઠક પરથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયો હતો.
૧૯૭૯માં ૧૭ વર્ષની ઉંમરે અતીક અહમદ પર અલાહાબાદમાં મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં તે અલાહાબાદમાંથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં ગૅન્ગસ્ટર્સનું એક નેટવર્ક ચલાવતો હતો.
અતીકને સૌથી પહેલાં પછડાટ રાજુ પાલના મર્ડર કેસમાં તેનું નામ આવ્યા બાદ મળી હતી. રાજુ પાલની ૨૦૦૫માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના સીએમ બન્યા બાદ અતીક માટે વધુ મુશ્કેલીઓ ઊભી થઈ હતી. યોગીએ માફિયાઓનો ખાતમો બોલાવવાનું શરૂ કર્યું હતું.