07 November, 2024 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી, જ્યોતિષી વિવેક ત્રિપાઠી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ વર્ષથી વધુ સમયથી ભારતના વડા પ્રધાન છે અને ત્રીજા કાર્યકાળમાં તેમને સ્પષ્ટ બહુમતી નથી છતાં તેઓ સહયોગી પક્ષોની સાથે સરકાર ચલાવી રહ્યા છે, પણ એક જ્યોતિષી વિવેક ત્રિપાઠીએ એક પૉડકાસ્ટમાં આગાહી કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો નહીં કરી શકે, તેમને અધવચ્ચે પદ છોડવું પડશે. આથી સવાલ એ પુછાઈ રહ્યો છે કે શું નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો કરી શકશે કે નહીં.
સિગ્નેચર એક્સપર્ટ વિવેક ત્રિપાઠીએ નરેન્દ્ર મોદીની સહીનો અભ્યાસ કરીને આગાહી કરી છે કે તેમણે ત્રીજા કાર્યકાળની વચ્ચે જ પદ છોડવું પડશે અથવા કોઈ કારણવશ તેઓ આ પદ પર નહીં રહે. ત્રીજા કાર્યકાળની પહેલાંનાં અઢીથી ત્રણ વર્ષનો સમય તેમના માટે સારો છે, પણ પછી તેમના માટે પ્રતિકૂળ સંજોગો ઊભા થશે. એવું વિવેક ત્રિપાઠીનું કહેવું છે.
જોકે હાલમાં નરેન્દ્ર મોદીની સરકાર મજબૂત છે, પણ તેમની સરકાર આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પર નિર્ભર છે અને તેઓ તેમનો સ્વાર્થ પૂરો થતાં જ ટેકો પાછો ખેંચી શકે એમ છે એટલે લોકો વિવેક ત્રિપાઠીની ભવિષ્યવાણીને ગંભીરતાથી લઈ રહ્યા છે.
ભગવંત માનને જેલમાં જવું પડી શકે
વિવેક ત્રિપાઠીએ આગાહી કરી છે કે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને જેલમાં જવાનો વારો આવી શકે એમ છે, તેમને લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ રહેવું પડી શકે એમ છે. વિવેક ત્રિપાઠીએ વિરાટ કોહલીનું પહેલું સંતાન દીકરી હશે અને પછી દીકરો અવતરશે એવી આગાહી કરી હતી. તેમણે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર ક્યારે પડશે એના મહિના અને સમયની પણ સચોટ આગાહી કરી હતી.