એમપીમાં પણ બીજેપીએ સરપ્રાઇઝ આપી, શિવરાજને પડતા મૂકીને મોહન યાદવના હાથમાં સુકાન સોંપ્યું

12 December, 2023 11:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નવા મુખ્ય પ્રધાન ત્રણ વખત એમએલએ તરીકે ચૂંટાયા અને શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં કૅબિનેટ પ્રધાન હતા

ભોપાલમાં ગઈ કાલે શિવરાજ સિંહ ચૌહાણના ચરણસ્પર્શ કરી રહેલા મોહન યાદવ અને તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ વી. ડી. શર્મા. તસવીર : પી.ટી.આઇ.

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં બીજેપી કોઈ નવા ચહેરાને જ સીએમ બનાવશે એવી અટકળો સાચી પુરવાર થઈ છે. ઉજ્જૈન દ​િક્ષણના વિધાનસભ્ય મોહન યાદવ મધ્ય પ્રદેશના નવા મુખ્ય પ્રધાન રહેશે. બીજેપીએ ગઈ કાલે આ જાહેરાત કરી હતી. દિગ્ગજ લીડર શિવરાજ સિંહ ચૌહાણને રેકૉર્ડ પાંચમી મુદત ન આપવામાં આવી. દરમ્યાન એમપીના સીએમ શિવરાજે રાજ્યપાલ મંગુભાઈ પટેલને તેમનું રાજીનામું સોંપ્યું છે. 

આ પહેલાં બીજેપીએ સિનિયર આદિવાસી લીડર અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વિષ્ણુદેવ સાઈને છત્તીસગઢના નવા મુખ્ય પ્રધાન બનાવીને સરપ્રાઇઝ આપી હતી. હવે સૌની નજર રાજસ્થાન પર રહેશે. યાદવ ત્રણ વખત એમએલએ તરીકે ચૂંટાયા છે. તેઓ ચૌહાણ સરકારમાં કૅબિનેટપ્રધાન રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘હું પાર્ટીનો નાનો વર્કર છું. હું તમારો, રાજ્યની લીડરશિપ અને કેન્દ્રીય લીડરશિપનો આભાર માનું છું. તમારો પ્રેમ અને સપોર્ટથી હું મારી જવાબદારીઓ પૂરી કરવાની કોશિશ કરીશ.’

પાર્ટીની નવી સરકારનું સુકાન કોણ સંભાળશે એના વિશે એક અઠવાડિયા સુધી સસ્પેન્સનો અંત લાવીને ભોપાલમાં વિધાનસભા પક્ષની મીટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. આ મીટિંગમાં બીજેપીના ૧૬૩ નવા ચૂંટાયેલા વિધાનસભ્યો અને સાથે પાર્ટીના ત્રણ કેન્દ્રીય નિરીક્ષકો પણ હતા. રાજ્યમાં બે ડેપ્યુટી સીએમ જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લા રહેશે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર ૧૬મી મધ્ય પ્રદેશ વિધાનસભાના સ્પીકર રહેશે. 

હવે શિવરાજનું શું થશે?
શિવરાજ સિંહ ચૌહાણને કેન્દ્રના પૉલિટિક્સમાં શિફ્ટ કરવામાં આવે એવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી પહેલાં તેમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે એવી પણ અટકળો છે કે તેમને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવીને તેમની પૉલિટિકલ કરીઅર પર પૂર્ણવિરામ મૂકવામાં આવી શકે છે.

શા માટે શિવરાજને રિપીટ ન કરાયા?

છત્તીસગઢ પછી એમપીમાં પછાત વર્ગનો ચહેરો
બીજેપીએ છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાઈને સીએમ તરીકે પસંદ કર્યા. તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે. તેઓ પછાત વર્ગોના મોટા લીડર છે અને ક્લીન ઇમેજ ધરાવે છે. હવે એમપીમાં પણ એમ જ જોવા મળ્યું છે. પાર્ટીએ વધુ એક વખત પછાત વર્ગનો ચહેરો જ પસંદ કર્યો છે. ઓબીસી સમુદાયના મોહન યાદવને પસંદ કરાયા છે. બીજેપીની વ્યુહરચના આ બન્ને રાજ્યો માટે પછાત વર્ગોથી પોતાના લીડરની પસંદગી કરવાની છે. બીજેપીએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ​ નિર્ણય કર્યો છે.

અખિલેશ-તેજસ્વીને ધ્યાનમાં રાખીને યાદવ કાર્ડ
બીજેપી લીડરશિપ જ્યારે પણ નિર્ણય લે છે ત્યારે ભવિષ્યને ધ્યાનમાં રાખે છે. મોહન યાદવ ઓબીસી ચહેરો છે તો સાથે તેઓ એક યાદવ પણ છે. બિહારમાં લાલુ પ્રસાદે આરજેડી માટે યાદવ વોટ્સને જાળવી રાખ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની એ ટ્રેડિશનલ વોટબૅન્ક છે. હવે એક યાદવને સીએમ બનાવીને બીજેપીએ બિહારમાં તેજસ્વી યાદવ જ્યારે યુપીમાં અખિલેશ યાદવને એક પૉલિટિકલ મેસેજ આપ્યો છે.

એમપીમાં નવી જનરેશનને તક
બીજેપીનો હેતુ છત્તીસગઢની જેમ એમપીમાં નવી જનરેશનને તક આપવાનો છે, જેથી પાર્ટીમાં નવા નેતાઓને ભવિષ્ય માટે તૈયાર કરી શકાય.

madhya pradesh assembly elections chattisgarh rajasthan bharatiya janata party national news