પરિણામનો આયનો : આત્મવિશ્વાસ, અતિવિશ્વાસ અને અહંકાર

04 December, 2023 08:30 AM IST  |  Mumbai | Dr. Vishnu Pandya

કોણ, ક્યાં જીતશે એના પોતપોતાના અંદાજ હતા

ફાઇલ તસવીર

ત્રીજી ડિસેમ્બરની સાંજ પહેલાં બપોર અને સવાર તો આવી હતી, પણ બીજી ડિસેમ્બરે જુદો માહોલ હતો. ધડાધડ એક્ઝિટ પોલ અને પોલ ઇન પોલના અહેવાલો ટીવી પર લગભગ એકસામટા વરસી રહ્યા હતા. પરિણામોના દરેક આંકડા અને અનુમાનોમાં અસ્પષ્ટ અભિપ્રાય હતા. છત્તીસગઢનો કોયડો એમાં મોખરે હતો. ખુદ રાહુલ ગાંધી આવીને કહી ગયા હતા કે છત્તીસગઢ તો કૉન્ગ્રેસ જીતશે જ એ નિર્વિવાદ છે. રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે કહ્યું અને કૉન્ગ્રેસપ્રમુખ ખડગેએ માની લીધું કે સત્તા મળશે અને પાઇલટ-ગેહલોટને  સત્તા સોંપવામાં આવશે. મધ્ય પ્રદેશમાં તો કમલનાથે કોરો ચેક આપી દીધો કે કૉન્ગ્રેસ સરકાર બનાવશે. જો એવું બને તો કમલનાથ મુખ્ય પ્રધાન તરીકે નક્કી હતા. એટલે દિગ્વિજય સિંહના સાથીઓ નાથ બનાવી ચૂક્યા હતા. મધ્ય પ્રદેશ ઍન્ટિ-ઇન્કમ્બન્સીને લીધે બીજેપીના હાથમાંથી જશે એવું પણ માની લેવામાં આવ્યું. કૉન્ગ્રેસનાં વર્તુળોના જણાવ્યા મુજબ તો ત્રણેત્રણ રાજ્યોમાં મુખ્ય પ્રધાન કોને બનાવવા એ પણ નક્કી થઈ ગયું હતું. એક દરખાસ્ત એવી પણ હતી કે જો સત્તા મળે તો છત્તીસગઢ અથવા રાજસ્થાનમાં ઇન્ડિયા અલાયન્સની મોટી પરિષદ યોજવી. કમલનાથના વિધાન ‘અખિલેશ-બખિલેશ’ને લીધે પ્રવર્તતી બેદિલીને કારણે પેદા થયેલી નારાજગી ખુદ રાહુલ અને પ્રિયંકા મનાવી લેશે એવું પણ નક્કી હતું.

કોણ, ક્યાં જીતશે એના પોતપોતાના અંદાજ હતા. છત્તીસગઢમાં તો કૉન્ગ્રેસ જ આવશે એવો વ્યાપક વરતારો હતો. આવા સંજોગો આમ તો ‘કાંટે કી ટક્કર’ જેવા હતા, પરિણામે બીજી ડિસેમ્બરની રાત ‘કતલ કી રાત’ બની રહી. સવારે મુખ્ય નેતાઓએ પોતાના ઘરમાં જ તખ્તો ઊભો કરી લીધો, ફૂલહાર અને મીઠાઈની સગવડ, ઢોલ-નગારાં, શરણાઈ અને નક્કી કરી રાખેલાં નિવેદનો બધું તૈયાર. થોડો સમય તો ‘રુઝાન’માં ઘણા તબક્કા આવશે એવું માની લેવામાં આવ્યું, પણ ૧૧ વાગ્યા સુધીમાં તો આખું દૃશ્ય બદલાવા માંડ્યુ. તોયે તેજસ્વી યાદવે તો પત્રકારોને કહ્યું કે આ તો રુઝાન માત્ર છે, પરિણામ જોજોને, અમારી તરફેણમાં જ આવશે, પણ એવું બન્યું નહીં.

કયાં કારણથી આખું ચિત્ર બદલાયું?

જો ગંભીરતાથી વિચારીએ તો...

હિન્દુસ્તાનની મતદારની રાજનીતિ બદલાવા માંડી છે. ૧૯૫૨થી લગભગ ૧૯૬૨ સુધી ‘કૉન્ગ્રેસને કોઈ હરાવી શકે જ નહીં’ એવી દૃઢ માન્યતા હતી. ઉમેદવાર તરીકે કૉન્ગ્રેસ વીજળીનો થાંભલો કે ઝાડ ઊભું રાખે તો પણ એ જીતી જાય એમ માનવામાં આવતું હતું. વિરોધ પક્ષો બિચારા, બાપડા પરાજિત થવા ચૂંટણી લડતા ને એકલદોકલ ઉમેદવાર  જીતી શકતો. આ ‘ટેકન ફૉર ગ્રાન્ટેડ’ની નીતિ હવે રહી નથી. મતદાર પણ ગણતરી કરીને ઉમેદવાર અને પક્ષને મત આપે છે. ૧૯૬૨ પછી મતદારોમાં આ નિર્ણાયક માનસિક બદલાવ આવ્યો છે એ વાત કમલનાથ તો તદ્દન ભૂલી ગયા. આચાર્ય પ્રમોદ તો કૉન્ગ્રેસના સાધુ-નેતા છે. તેમણે ટીવી પર કહ્યું કે કમલનાથે કૉન્ગ્રેસના નેતા-કાર્યકરોને બાજુએ રાખીને પોતાનાં નાણાંથી આખી પટ્ટી પર પ્રચારતંત્ર ગોઠવ્યું, ઇન્ડિયા અલાયન્સની બેઠક અને રૅલી રદ કરી, અખિલેશના સમાજવાદી પક્ષને બાજુએ હડસેલ્યો, દિગ્વિજય સિંહને ક્યાંય સાથે રાખ્યા નહીં. પરિણામ એ આવ્યું કે ૧૦ સીટ કૉન્ગ્રેસે ખોઈ. એમાં સમાજવાદી ઉમેદવાર અને પ્રચાર મુખ્ય કારણરૂપ બન્યા. નેતાનો અહંકાર આ રીતે પોતાના સંગઠનને ડુબાડે છે એનો પ્રત્યક્ષ પુરાવો કમલનાથ છે.

બીજું મોટું કારણ ભરોસાનું છે. પંડિતો એને ‘વિશ્વસનીયતા’નું, ક્રેડિબિલિટીનું નામ આપે છે. મતદારને જેના પર વિશ્વાસ હોય તેને જ મત આપે છે એ આ ચૂંટણીમાં બધે બન્યું, તેલંગણથી રાજસ્થાન સુધી. હવે આ વિશ્વાસ પેદા થવા માટે કોઈ ગંગોત્રી હોય તો સફળ નેતૃત્વ અને સાબૂત કર્તૃત્વ હોય છે, કૉન્ગ્રેસમાં કોઈને કોઈનો ભરોસો ન હોય તો પ્રજાને ક્યાંથી હોય? બીજેપીમાં સફળતાનું આ મોટું રહસ્ય છે. મધ્ય પ્રદેશમાં બીજેપી અને એ પહેલાં રાજમાતા વિજયા રાજે સિંધિયા, કુશાભાઉ ઠાકરે, સુંદરલાલ પટવા, વીરેન્દ્રનાથ સકલેચા જેવાં નેતાઓ હતાં. એની પરંપરામાં શિવરાજસિંહ ચૌહાણ જેને પ્રજા પ્રેમપૂર્વક મામાશ્રી તરીકે સંબોધતી હતી તેમણે કાર્યકરોને સાથે રાખ્યા. રાજસ્થાનમાં ભૈરોંસિંહ શેખાવત એવા મોટા ગજાના નેતા હતા. આવું નેતૃત્વ વત્તા કર્તૃત્વ એ જૂના જનસંઘ અને તેના નવા અવતાર બીજેપીની મોટી ખાસિયત છે અને મૂડી છે. જ્યાં આવું સંયોજન ન થયું ત્યાં બીજેપીએ પીછેહઠ ભોગવી છે. આજે નરેન્દ્ર મોદીના રથના સૈનિકો આવા મોટી સંખ્યામાં દેશભરના કાર્યકરો છે. એમાં ઉમેરો થયો છે મહિલાઓ અને વનવાસી-આદિવાસીઓનો. છત્તીસગઢ જેવા નક્સલી વિસ્તારોમાં બીજેપીને આ ચૂંટણીમાં આદિવાસી મત મળ્યા જે આજ સુધી કૉન્ગ્રેસ પાસે હતા. આવું જ મહિલાઓનું મતદાન થયું. મતોના વર્ગવાર આંકડા મળશે ત્યારે સ્પષ્ટ થશે કે ત્રણેય રાજ્યોમાં મહિલા મતદાન મોટા પાયે બીજેપીની તરફે થયું છે.

એક વધુ મુદ્દો ભારતીય માનસની પ્રતિક્રિયાનો છે. કોઈને અવરોધ ન બનનારી સનાતની આસ્થાને કોઈ કારણ વિના તિરસ્કૃત કરવી, ટીકા કરવી, રામનું કે રામસેતુનું ઐતિહાસિક અસ્તિત્વ જ નહોતું એમ કહેવું. અયોધ્યામાં રામમંદિર થશે કે નહીં એની મશ્કરી કરવી, નાગરિક સંહિતામાં ફેરફારનો વિરોધ કરવો, પુલવામા-પ્રકરણમાં સેનાની આલોચના કરવી, સનાતન તો રોગ છે એને સમાપ્ત કરવો જોઈએ એમ કહેનાર દ્રવિડ નેતાના પક્ષને સાથે રાખવો. આ બધાનો સરવાળો પ્રજાના મનમાં એવો થયો કે આ લોકો સનાતન આસ્થાને જ ખલાસ કરી નાખશે અને સરહદ પરના સૈનિકોની આલોચના કરીને તેમનું મનોબળ તોડશે, કૉન્ગ્રેસે એવું તો કહ્યા કર્યું કે અમે પણ હિન્દુ છીએ, સાચા હિન્દુ અમે છીએ. રાહુલને એટલા માટે થોડા સમય માટે જનોઈ પહેરાવવામાં આવી, મંદિરોની સફર કરાવી, દિગ્વિજય સિંહે નર્મદા યાત્રા કરી, કમલનાથ બાબાઓના શરણે ગયા, પણ ખુદ કૉન્ગ્રેસ-નેતા સાધુ આચાર્ય પ્રમોદકૃષ્ણનું આ પરિણામ પછીનું નિવેદન છે કે સનાતનનો શ્રાપ લાગ્યો છે.

એક તેલંગણ કૉન્ગ્રેસ માટે આશ્વાસનનું સ્થાન બની ગયું. રાહુલ અને એ પહેલાં ઇન્દિરા ગાંધી દક્ષિણના વાયનાડ અને ચિકમગલુરથી લોકસભાની ચૂંટણી લડ્યાં અને જીત્યાં હતાં. ત્યાં સ્થાનિક પક્ષનો દબદબો છે, પણ તેલંગણમાં બીઆરએસ અને એના નેતા કે. ચંદ્રશેખર રાવ, તેના મિનિસ્ટર પુત્ર કે. ટી. રામારાવ, નાણાપ્રધાન ટી. હરીશ રાવની ત્રિપુટી તો છે, પણ કૉન્ગ્રેસે નામચીન ખાણમાલિકો રેડ્ડીને પકડ્યા, પરિણામ આવ્યું કે કૉન્ગ્રેસ જીતી ગઈ. બીજેપીને મતની ટકાવારીમાં ફાયદો થયો. મોડી રાતે પરિણામ આવે ત્યારે બધાના સંખ્યાબળનો ભલે અંદાજ આવે, પણ કૉન્ગ્રેસ સરકાર બનાવશે જરૂર. આંતરિક ખેંચતાણ તો ત્યાં પણ છે. એટલે ક્યાં સુધી, કેવી રીતે ટકી રહે છે એનો અંદાજ ૨૦૨૪માં ગમે ત્યારે આવી જશે.

આમ બીજા ઘણા મુદ્દા વચ્ચે મુખ્ય તો રહ્યો બીજેપીનો આત્મવિશ્વાસ અને કૉન્ગ્રેસનો અહંકાર સાથેનો અતિવિશ્વાસ. 

 

assembly elections bharatiya janata party congress narendra modi rahul gandhi