15 October, 2022 09:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર (તસવીર : પી.ટી.આઇ.)
હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે ૧૨ નવેમ્બરે મતદાન થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગઈ કાલે નવી દિલ્હીમાં આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં એમ પણ જાહેર કર્યું હતું કે મતગણતરી ૮ ડિસેમ્બરે કરવામાં આવશે. આશ્ચર્યજનક રીતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માટે પણ તારીખોની જાહેરાતની અપેક્ષા હતી, પરંતુ એમ બન્યું નહીં, એને કારણે ગઈ કાલે ચૂંટણીપંચે ‘શું કહ્યું’ એના કરતાં ‘શું ન કહ્યું’ એની ચર્ચા વધારે થઈ છે.
એવી ઘણી શક્યતા છે કે હિમાચલ પ્રદેશની જેમ ગુજરાતમાં પણ ૮ ડિસેમ્બરે જ મતગણતરી થાય. ૨૦૧૭માં હિમાચલ પ્રદેશની ચૂંટણી ૯ નવેમ્બરે યોજાઈ હતી, જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાઈ હતી. જોકે આખરે ૧૮ ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સાથે મતગણતરી થઈ હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે તેમણે હવામાન તેમ જ બન્ને રાજ્યોની વિધાનસભાની મુદતની છેલ્લી તારીખ વચ્ચેના ગૅપ સહિત જુદાં-જુદાં પરિબળોને ધ્યાનમાં લીધાં હતાં.
૬૮ બેઠકો ધરાવતી હિમાચલ પ્રદેશની વિધાનસભાની મુદત ૮ જાન્યુઆરીએ પૂરી થાય છે. ગુજરાત વિધાનસભાની મુદત ૧૮ ફેબ્રુઆરીએ પૂરી થાય છે. સામાન્ય રીતે રાજ્યોની વિધાનસભાની મુદત એકબીજાથી ૬ મહિનામાં પૂરી થાય ત્યારે ચૂંટણીઓ સાથે યોજાય છે. કુમારે કહ્યું કે ‘આ બન્ને રાજ્યોની વિધાનસભાઓની મુદત પૂરી થવા વચ્ચે ૪૦ દિવસનો ગૅપ છે. નિયમો અનુસાર એ ગૅપ ઓછામાં ઓછા ૩૦ દિવસનો હોવો જોઈએ, જેથી એક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામની બીજા પર અસર ન થાય.’
તેમણે જણાવ્યું કે ‘વેધર સહિત અનેક પરિબળો છે. અમે બરફ પડવાનું શરૂ થાય એ પહેલાં હિમાચલ પ્રદેશમાં મતદાન યોજવા ઇચ્છતા હતા. ચૂંટણીપંચે વિવિધ પક્ષકારો સાથે ચર્ચાવિચારણા કરી છે.’