23 February, 2023 01:56 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: પીટીઆઈ
કૉંગ્રેસ (Congress) નેતા પવન ખેડા (Pawan Khera)ની આસામ પોલીસે (Assam Police) ધરપકડ કરી છે. આ પહેલાં મીડિયા વિભાગના વડા પવન ખેડાને રાયપુર જતી ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે સવાલ કર્યો કે ખેડાને કયા આધારે નીચે લાવવામાં આવ્યા છે અને શું દેશમાં કાયદાનું શાસન યથાવત્ છે. કહેવાય છે કે આ ઘટના ઈન્ડિગોના એરક્રાફ્ટ નંબર 6E 204માં બની હતી, જેના વિરોધમાં કૉંગ્રેસના ઘણા નેતા વિમાનમાંથી નીચે ઉતર્યા હતા.
કૉંગ્રેસે આ મામલે ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીએ તેને છત્તીસગઢમાં કૉંગ્રેસના સત્ર સાથે જોડી દીધું છે. કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાયપુરમાં યોજાનાર રાષ્ટ્રીય સંમેલનને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. પવન ખેડાએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઈને ભાજપે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરવા બદલ ખેડાની ધરપકડની માગ કરી છે. આ ઘટના પર પવન ખેડાએ ટ્વીટ કર્યું કે “આપણે બધા સત્યના સાથી છીએ અને સત્ય માટે લડીશું.”
એરપોર્ટ પર હાજર પવન ખેડાએ જણાવ્યું હતું કે, "મને કહેવામાં આવ્યું હતું કે તમારા સામાનમાં થોડી સમસ્યા છે, જ્યારે મારી પાસે એક જ હેન્ડબેગ હતી. હું ફ્લાઈટમાંથી નીચે આવ્યો ત્યારે મને કહેવામાં આવ્યું કે તમે પ્રવાસ કરી શકશો નહીં. બાદમાં કહેવામાં આવ્યું કે ડીસીપી તમને મળશે. હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો. નિયમો, કાયદાઓ અને કારણો નેવે મૂકીને કામ થઈ રહ્યું છે.”
કૉગ્રેસનો આરોપ છે કે પવન ખેડાને એરેસ્ટ વોરંટ વગર રોકવામાં આવ્યા હતા. આસામ પોલીસની એક ટીમ કથિત રીતે નેતાની ધરપકડ કરવા એરપોર્ટ પહોંચી હતી. કૉંગ્રેસના સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે, "આ ગભરાયેલી સરકાર અને તેની મનસ્વીતા સિવાય બીજું કંઈ નથી.” ઈન્ડિગો એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું કે “પવન ખેડા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હોવાને કારણે તેમને પ્લેનમાં ન ચઢવાની સૂચના આપવામાં આવી હતી.”
આ પણ વાંચો: નેવાર્ક-દિલ્હીની ફ્લાઇટનું સ્ટૉકહોમમાં ઇમર્જન્સી લૅન્ડિંગ
ઉલ્લેખનીય છે કે પવન ખેડાએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઈને ભાજપે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરવા બદલ ખેડાની ધરપકડની પણ માગ કરી છે.