ચીફ મિનિસ્ટર અને બધા સરકારી કર્મચારીઓ હવે લાઇટ-બિલ પોતાના ખિસ્સામાંથી ભરશે

18 June, 2024 10:58 AM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

આસામના મુખ્ય પ્રધાને VIP કલ્ચર ખતમ કરવાનો કર્યો નિર્ધાર

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્મા

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ રાજ્યમાં ૭૫ વર્ષ જૂના VIP કલ્ચરને ખતમ કરવાનો નિર્ધાર કર્યો છે. હવે પહેલી જુલાઈથી મુખ્ય પ્રધાન, પ્રધાનો તેમ જ સરકારી અમલદારો જાતે જ વીજળીનું બિલ ભરશે. અત્યાર સુધી તેમનું વીજળીનું બિલ ટૅક્સપેયર્સના ટૅક્સમાંથી ભરવામાં આવતું હતું.

આ મુદ્દે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘પહેલી જુલાઈથી હું અને આસામના ચીફ સેક્રેટરી જાતે જ વીજળીનું બિલ ભરીશું. અમે આ કાર્યનો આરંભ કરીશું અને બધા સરકારી કર્મચારીઓ એનું અનુકરણ કરશે. સરકારના સિનિયર અધિકારીઓ અને પ્રધાનોના બંગલાનાં લાઇટ-બિલ પણ સરકાર ભરતી હતી, પણ આ સિસ્ટમ હવે દૂર કરાશે.’
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી હું ફ્રી ઇલેક્ટ્રિસિટી મેળવી રહ્યો હતો અને મને એની ખબર નહોતી, હાલમાં જ એક ચર્ચા વખતે મને એની જાણ થઈ અને હવે નવી સિસ્ટમથી ઇલેક્ટ્રિસિટી બોર્ડને મદદ થશે.

આસામમાં સેક્રેટરિયેટમાં તાજેતરમાં ૨.૫ મેગાવૉટ સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને આ સાથે આસામ દેશનું પહેલું ગ્રીન સ્ટેટ હેડક્વૉર્ટર ધરાવતું રાજ્ય બન્યું છે. 

national news guwahati assam india