પપીએ ધરાર ન લીધેલું બિસ્કિટ માણસને અપાય?

07 February, 2024 09:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાહુલ ગાંધીએ આપ્યું ને વિવાદ થયો : ઝારખંડમાં તેમની યાત્રા દરમ્યાન તેમણે ગલૂડિયાએ નકારેલું બિસ્કિટ કૉન્ગ્રેસી કાર્યકરને ઑફર કર્યું

રાહુલ ગાંધી

નવી દિલ્હી : વાઇરલ થયેલા એક વિડિયોમાં પોતાના રોડ-શો દરમ્યાન રાહુલ ગાંધી એક પપીને બિ​સ્કિટ ખવડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એણે બિ​સ્કિટ ખાવાનો ઇનકાર કરતાં ગાંધી એક ટેકેદારને આ બિસ્કિટ ઑફર કરે છે.

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીના વાઇરલ થયેલા આ વિડિયોએ વ્યાપક વિવાદ જગાવ્યો છે. આ ગલૂડિયું કૉન્ગ્રેસના એક ટેકેદારનું હતું. તેની સાથે વાતચીત દરમ્યાન ગાંધીએ એક બિસ્કિટ લઈ પપીને ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝારખંડમાં છે.

રાહુલ ગાંધીએ બિસ્કિટ આપતાં ગલૂડિયાએ મોઢું ફેરવી લીધું અને બિસ્કિટ ખાવાનો ઇનકાર કર્યો. આથી, રાહુલ ગાંધી આ બિસ્કિટ ટેકેદારને ઑફર કરતા વિડિયોમાં દેખાય છે.આ વિડિયોથી ખાસ્સો ઊહાપોહ મચ્યો હતો અને સોશ્યલ મીડિયા પર ઘણા યુઝર્સે રાહુલ ગાંધી ઉપર આક્ષેપ કરી જણાવ્યું હતું કે તેમણે પક્ષના ટેકેદારો અને કાર્યકરો સાથે ગેરવર્તાવ કર્યો છે. આસામના મુખ્ય પ્રધાન હેમંતા બિશ્વા શર્માને એક્સ ઉપર ટેગ કરી એક યુઝરે વાઇરલ વિડિયો શૅર કર્યો હતો અને દાવો કર્યો હતો કે કૉન્ગ્રેસના નેતાએ પોતાના પપીને જે પ્લેટમાં બિસ્કિટ ખવડાવ્યા હતા એ જ પ્લેટમાં શર્માને બિસ્કિટ ખવડાવાયા હતા. શર્માએ સત્વરે આ દાવાનો ઇનકાર કર્યો હતો.

national news rahul gandhi congress jharkhand