11 May, 2023 12:18 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રાજસ્થાનના પ્રવાસ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં પ્રાર્થના કરી હતી. વડા પ્રધાને દર્શન કર્યાં હતાં ત્યારે પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર કર્યો હતો. તસવીર પી.ટી.આઇ.
જયપુરઃ રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોટ અને કૉન્ગ્રેસના નેતા સચિન પાઇલટ વચ્ચે જબરદસ્ત લડાઈ ચાલી રહી છે. એના સંબંધમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આ રાજ્યની સરકારને સવાલો કર્યા હતા. રાજસ્થાનના આબુ રોડમાં એક સભાને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘આ કેવી સરકાર છે કે જ્યાં મુખ્ય પ્રધાન ગેહલોટને પોતાના વિધાનસભ્યો પર વિશ્વાસ નથી? આ કેવી સરકાર છે કે જ્યાં વિધાનસભ્યોને પોતાના સીએમ પર વિશ્વાસ નથી? સરકારમાં એકબીજાનું અપમાન કરવાની કૉમ્પિટિશન છે. ખુરસી સમગ્ર પાંચ વર્ષ સુધી મુશ્કેલીમાં હોય ત્યારે રાજસ્થાનના વિકાસની કોને દરકાર હોય?’