ટ્રાયલ વિના છ મહિના જેલમાં રહ્યા પછી બહાર આવ્યા અરવિંદ કેજરીવાલ

14 September, 2024 08:45 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જોકે ઑફિસમાં નહીં જઈ શકે, ફાઇલો પર સહી નહીં કરી શકે: આ કેસ વિશે જાહેરમાં ટિપ્પણી નહીં કરી શકે, જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટ સમક્ષ તેમણે સુનાવણી વખતે હાજર થવું પડશે

અરવિંદ કેજરીવાલ ગઈ કાલે બહાર આવ્યા એની તેમના સપોર્ટરોએ બૅનરો લગાડીને અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. કેજરીવાલનાં પત્ની સુનીતાએ આમ આદમી પાર્ટીના સિનિયર નેતા મનીષ સિસોદિયા સાથે મીઠાઈ વિતરિત કરી હતી.

દિલ્હીના મુખ્ય પ્રધાનને શરાબકાંડમાં જામીન આપીને સુપ્રીમ કોર્ટે કહ્યું, CBIએ પાંજરામાં રહેલા પોપટની છાપમાંથી બહાર આવવું જોઈએ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને છ મહિનાના જેલવાસ બાદ ગઈ કાલે જામીન મળ્યા હતા અને સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે લાંબા સમય સુધી જેલમાં રાખવાનો અર્થ સ્વતંત્રતાની અન્યાયી વંચિતતા સમાન છે. દિલ્હી શરાબ કૌભાંડમાં જૂન મહિનામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ તેમની ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના કેસમાં તેમને પહેલાં જ જામીન મંજૂર કરી દેવાયા હતા.

આમ આદમી પાર્ટી (AAP)ના નેતાને લગભગ છ મહિના સુધી ટ્રાયલ વિના જેલમાં રાખવામાં આવ્યા હતા. તેઓ હવે જામીન પર છૂટી રહ્યા છે, પણ તેઓ લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાની સંમતિ વિના આ સમયગાળા દરમ્યાન ઑફિસમાં નહીં જઈ શકે અને કોઈ પણ ફાઇલ પર સહી નહીં કરી શકે. તેઓ આ કેસ વિશે જાહેરમાં કોઈ ટિપ્પણી કરશે નહીં અને જ્યાં સુધી આ કેસમાંથી તેમને મુક્તિ ન મળે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટ સમક્ષ તેમણે સુનાવણી વખતે હાજર થવું પડશે.

ગઈ કાલે એક સંક્ષિપ્ત સત્રમાં જ​સ્ટિસ ઉજ્જલ ભૂયાન અને જ​સ્ટિસ સૂર્યકાન્તે બે અરજીઓ પર અલગ-અલગ ચુકાદો સંભળાવ્યો હતો, પરંતુ તેઓ એ બાબતે સંમત થયા હતા કે મુખ્ય પ્રધાનને જામીન પર છોડવા જોઈએ.

દિલ્હી શરાબ કૌભાંડમાં EDના કેસમાં જામીન મળી ગયા બાદ CBIએ કેજરીવાલની ધરપકડ કરી હતી જેને કેજરીવાલના વકીલોએ ઇન્શ્યૉરન્સ અરેસ્ટ ગણાવી હતી. આ ધરપકડને કેજરીવાલે પડકારી હતી. આ મુદ્દે જ​સ્ટિસ ભૂયાને પૂછ્યું હતું કે EDના કેસમાં ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા બાદ CBI શા માટે સક્રિય થઈ હતી?

ન્યાયાધીશોએ નોંધ્યું હતું કે ખટલો તાત્કાલિક પૂર્ણ થવાની શક્યતા દેખાતી નથી, વળી આવા જ કેસમાં મનીષ સિસોદિયા અને કે. કવિતાને જામીન મળી ચૂક્યા છે એટલે એ ધોરણે કેજરીવાલને પણ જામીન આપવામાં આવવા જોઈએ. બન્ને જજો એ બાબતે સંમત થયા હતા કે ખટલો શરૂ થવા વિના કેજરીવાલને જેલમાં રાખવા અયોગ્ય છે. વળી EDએ તો પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA)ને લગતા કેસમાં જામીન આપ્યા છે. આ મુદ્દે CBIના વકીલ ઍડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ જોરદાર દલીલ કરતાં કહ્યું હતું કે અરજદારે પહેલાં ટ્રાયલ કોર્ટમાં જવું પડશે. જોકે જ​સ્ટિસ ભૂયાને આ દલીલને સ્વીકારી શકાય એમ નથી કહીને કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જામીન એ નિયમ છે, જેલ અપવાદ છે; CBI દ્વારા આ અનુમાનિત ગુના માટે કેજરીવાલને વધારે સમય જેલમાં રાખવાની જરૂર નથી.

કોર્ટે કહ્યુ: ધરપકડ લીગલ પણ...
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘આ કેસમાં કેજરીવાલની ધરપકડ કાયદાકીય હતી, પણ સવાલ એ છે કે માર્ચ, ૨૦૨૩માં CBIએ કેજરીવાલની પૂછપરછ કરી હતી અને એ સમયે તેમને કેજરીવાલની ધરપકડ કરવાની જરૂર લાગી નહીં,  EDના કેસમાં જામીન મળ્યા બાદ CBI સક્રિય થઈ હતી અને તેમની ધરપકડ કરી હતી. CBIએ પાંજરામાં રહેલા પોપટની છાપમાંથી બહાર આવવું જોઈએ.’

AAPમાં ખુશીનો માહોલ
અરવિંદ કેજરીવાલને જામીન મળતાં AAPમાં ખુશીનો માહોલ છવાયો છે. તમામ નેતાઓએ જામીનના ચુકાદાને વધાવી લીધો છે. હરિયાણામાં પાંચ ઑક્ટોબરે વિધાનસભાની ૯૦ બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે અને એમાં કેજરીવાલ હવે પ્રચાર કરી શકશે એમ જણાય છે.

national news arvind kejriwal aam aadmi party india supreme court delhi news new delhi