શું જામીન મેળવવા માટે હું પૅરૅલિસિસનું જોખમ લઉં?

20 April, 2024 09:00 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પોતાના અસીલ વતી ઍડ્વોકેટ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને જણાવ્યું હતું કે ૪૮ વખતના ભોજન પૈકી માત્ર ત્રણ વાર તેમને કેરી આપવામાં આવી છે

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન જામીન મેળવવા માટે જેલમાં જાણી જોઈને ગળ્યું ખાય છે એવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના આક્ષેપોના જવાબમાં અરવિંદ કેજરીવાલે ગઈ કાલે પોતાના વકીલ મારફત કોર્ટને કહ્યું હતું કે ‘શું જામીન મેળવવા માટે હું પૅરૅલિસિસનું જોખમ લઉં? ધરપકડ પહેલાં મારા ડૉક્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલા ડાયટ-ચાર્ટ અનુસાર જ હું આહાર લઈ રહ્યો છું.’

પોતાના અસીલ વતી ઍડ્વોકેટ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને જણાવ્યું હતું કે ૪૮ વખતના ભોજન પૈકી માત્ર ત્રણ વાર તેમને કેરી આપવામાં આવી છે અને આઠમી એપ્રિલ બાદ તેમને કેરી આપવામાં આવી નથી.

ત્યાર બાદ દિલ્હીના મુખ્ય પ્રધાને કોર્ટને કહ્યું હતું કે ‘મારી ચામાં હું શુગર-ફ્રીનો ઉપયોગ કરું છું. EDનાં નિવેદન સદંતર જુઠ્ઠાં અને બદનક્ષીભર્યાં છે. ​મીડિયામાં તમારી સારીએવી વગ હોવાથી હું આલૂ-પૂરી ખાઉં છું એવો રિપોર્ટ પ્રકાશિત કરાવી શકો. જોકે હકીકત એ છે કે પૂજા દરમ્યાન મેં માત્ર એક જ વાર આલૂ-પૂરી ખાધાં હતાં.’

સપ્તાહમાં ત્રણ વાર પોતાના ડૉક્ટર સાથે શુગર-લેવલ બાબતે કન્સલ્ટ કરવાની અરજીને કેજરીવાલે ગુરુવારે પાછી ખેંચી લીધી હતી અને પોતાના ડૉક્ટર સાથે રોજ ૧૫ મિનિટ કન્સલ્ટ કરવા શુક્રવારે નવેસરથી અરજી કરી હતી. આ સિવાય કેજરીવાલે પોતાને ઇન્સ્યુલિન આપવામાં આવે એ માટે તિહાડ જેલના અધિકારીઓને આદેશ આપવા દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટમાં એક અરજી કરી છે.

arvind kejriwal delhi news directorate of enforcement