26 January, 2023 01:23 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
નવી દિલ્હી (આઇ.એ.એન.એ) : ચીનનો બહિષ્કાર કરવાની તેમ જ એની સાથેનો વેપાર બંધ કરવાની પ્રત્યેક ભારતીયની ફરજ છે એવું કહેતાં ગઈ કાલે દિલ્હી સરકારના ગણતંત્ર દિવસ પૂર્વેના સમારોહને સંબોધન કરતાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઉમેર્યું હતું કે ‘આપણે ૭૪મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ચીન છેલ્લા કેટલાય સમયથી દેશની સરહદ પર નજર જમાવીને બેઠું છે. આપણા સૈનિકો બહાદુરીથી સરહદ પર લડી રહ્યા છે એવામાં સરહદ પરના જવાનોને ટેકો આપવાની સરકારની ફરજ છે તથા ચીન સાથેનો વેપાર બંધ કરીને ચીનનો બહિષ્કાર કરવાની આપણી ફરજ છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘દુર્ભાગ્યે આપણે સતત ચીન સાથે આપણો વેપાર વધારીને એને વધુ સમૃદ્ધ બનાવી રહ્યા છીએ. આપણા પૈસાથી ચીન જીવલેણ હથિયાર તૈયાર કરી રહ્યું છે. આપણે ચીન પાસેથી શૂઝ, સ્લિપર્સ, ચશ્માં અને મેટ્રેસિસ જેવી ચીજો ખરીદીએ છીએ. શું આપણે આ તમામ ચીજો ચીન પાસેથી ખરીદવી જરૂરી છે, જ્યારે આપણા દેશમાં પણ આ તમામ ચીજોનું ઉત્પાદન થાય જ છે.