04 July, 2024 06:50 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ
દિલ્હી શરાબ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા પકડવામાં આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જુડિશ્યલ કસ્ટડી દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટે ગઈ કાલે ૧૨ જુલાઈ સુધી લંબાવી હતી. મની લૉન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ગઈ કાલે કેજરીવાલને કોર્ટમાં વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. મેડિકલ બોર્ડ સાથેના વિડિયો કન્સલ્ટેશન વખતે તેમની પત્નીને હાજર રાખવા બાબતે કેજરીવાલે કરેલી અરજી પરના આદેશને કોર્ટે રિઝર્વ રાખ્યો હતો. આ આદેશ કોર્ટ ૬ જુલાઈએ આપશે.
બીજી તરફ દિલ્હી શરાબ કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવેલા કેસમાં કેજરીવાલે દિલ્હી હાઈ કોર્ટમાં જામીન માટે ફરીથી અરજી કરી છે. CBIએ આ કેસમાં કેજરીવાલની ૨૬ જૂને ધરપકડ કરી હતી. શુક્રવારે આ અરજી પર સુનાવણી થશે.
CBI દ્વારા ધરપકડ અને રિમાન્ડને પડકારતી એક અરજી હાઈ કોર્ટમાં પેન્ડિંગ છે. મંગળવારે કોર્ટે CBIને નોટિસ મોકલીને એનો જવાબ સાત દિવસમાં ફાઇલ કરવા જણાવ્યું છે. આ કેસમાં ૧૭ જુલાઈએ સુનાવણી થવાની છે.