એક જ દિવસે અરવિંદ કેજરીવાલને બે ઝટકા

11 April, 2024 08:25 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે સોમવાર સુધી દિલ્હીના મુખ્ય પ્રધાનની અરજીની સુનાવણી કરવાની ના પાડી દીધી અને AAPના એક પ્રધાને પોતાની પાર્ટી ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનું કારણ આપીને રાજીનામું આપી દીધું

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ગઈ કાલે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલનું રાજીનામું માગવા વિરોધ-પ્રદર્શન કર્યું હતું ત્યારે તેમના પર પોલીસે પાણીનો મારો ચલાવ્યો હતો.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને હવે આ અઠવાડિયું પણ તિહાડ જેલમાં વિતાવવું પડશે, કારણ કે સુપ્રીમ કોર્ટે બુધવારે હાઈ કોર્ટના આદેશને પડકારતી અરજીની સુનાવણી નહોતી કરી. સુપ્રીમ કોર્ટ હવે સોમવારે અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી હાથ ધરી શકે છે. કોર્ટ ગુરુવારે ઈદ ઉલ-ફિત્ર અને શુક્રવારે સ્થાનિક રજાને કારણે બંધ રહેશે અને પછી વીક-એન્ડ હોવાથી સોમવારે ખૂલશે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી માટે સ્પેશ્યલ બેન્ચ બનાવવાનો પણ ઇનકાર કર્યો હતો.

દિલ્હી હાઈ કોર્ટે મંગળવારે લિકર પૉલિસી કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતાની ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી હતી એટલે તેમણે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ED પાસે આમ આદમી અને મુખ્ય પ્રધાનની પૂછપરછ કરવા માટે કોઈ અલગ પ્રોટોકૉલ નથી.

દરમ્યાન AAPની દિલ્હીની સરકારમાં પ્રધાન રાજ કુમાર આનંદે ગઈ કાલે પાર્ટીના મેમ્બર અને પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે અમારી ઍ​​ન્ટિ કરપ્શન પાર્ટી ભ્રષ્ટાચારમાં સામેલ થઈ ગઈ હોવાથી મારે નાછૂટકે પાર્ટી છોડવી પડી રહી છે. જોકે AAPના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના દબાવ હેઠળ તેમણે રાજીનામું આપવું પડ્યું છે. 

national news arvind kejriwal supreme court aam aadmi party