જામીન માટે અરવિંદ કેજરીવાલનું આવું કાવતરું! જેલમાં આપ સીએમ દબાવીને ખાય છે મીઠાઈ અને કેરી

18 April, 2024 06:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Arvind Kejriwal In Jail: EDએ કોર્ટમાં ડૉક્ટર કન્સલટેશનની અરજીનો વિરોધ કર્યો

અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

તિહાર જેલ (Tihar Jail) માં બંધ દિલ્હી (Delhi) ના મુખ્ય પ્રધાન આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ કોર્ટ પાસે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમના નિયમિત ડૉક્ટરની સલાહ લેવાની મંજૂરી માંગી હતી. જ્યારે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal In Jail) ની અરજી પર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ - ઇડી (Enforcement Directorate – ED) એ તેનો વિરોધ કર્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. દરમિયાન, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન, EDએ દાવો કર્યો હતો કે તે તબીબી આધાર પર જામીન મેળવવા માટે જાણીજોઈને મીઠાઈઓ ખાતા હતા જેથી તેમનું સુગર લેવલ વધે અને તેમને તબીબી આધાર પર જામીન મળે.

EDએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ જેલમાં મીઠાઈ, મીઠી ચા અને કેરી ખાઈ રહ્યા છે અને તે હાઈ ડાયાબિટીસ હોવાનો દાવો કરી રહ્યા છે. કેજરીવાલ જામીન માટે ડાયાબિટીઝને આધાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઇડીએ કોર્ટ સમક્ષ કહ્યું કે કેજરીવાલને ટાઈપ-2 ડાયાબિટીસ છે પરંતુ તેઓ જેલમાં આલૂ પુરી, કેરી અને મીઠાઈઓ ખાઈ રહ્યા છે. તે જાણી જોઈને આવું કરી રહ્યા છે. તબીબી આધાર પર જામીન મેળવવાનો આ એક માર્ગ છે.

કોર્ટે તેમને ઘરનું ભોજન ખાવાની પરવાનગી આપી છે એમ ઇડીએ જણાવ્યું. ઇડીએ એમ પણ કહ્યું કે, જેલ ડીજીએ અમને કેજરીવાલનો આહાર મોકલ્યો છે. તેમને બીપીની સમસ્યા છે. પરંતુ તેઓ શું ખાય છે તે જુઓ - બટેટા પુરી, કેળા, કેરી અને અતિશય મીઠી વસ્તુઓ.

વધુમાં EDએ કહ્યું કે, અમે ક્યારેય સાંભળ્યું નથી કે ટાઇપ-2 ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ આવી વસ્તુઓ ખાય છે. પરંતુ તેઓ દરરોજ બટેટા, પુરીઓ, કેરી અને મીઠાઈઓ ખાય છે. તેમને જામીન મળે તે માટે આ બધું કરવામાં આવી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલના વકીલે આની સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે, ED આ તમામ આરોપો મીડિયા માટે લગાવી રહી છે.

કેજરીવાલના વકીલને કોર્ટે કહ્યું કે અમે આ અંગે જેલ પાસેથી રિપોર્ટ માંગીશું અને તમે મને તેમનો સંપૂર્ણ ડાયટ પ્લાન આપો. કોર્ટે તિહાર જેલ પ્રશાસન પાસેથી અરવિંદ કેજરીવાલના આહાર અંગે રિપોર્ટ માંગ્યો હતો. આ કેસની આગામી સુનાવણી શુક્રવારે થશે.

તમને જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગયા મહિને ED દ્વારા દારૂ નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને ED દ્વારા તેમની કસ્ટડીમાં એક અઠવાડિયાથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા પછી તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ માને છે કે, અરવિંદ કેજરીવાલ હવે બંધ થઈ ગયેલી દારૂની નીતિની રચનામાં સીધી રીતે સામેલ હતા. જેના કારણે ૬૦૦ કરોડ રૂપિયાની લાંચની પ્રાપ્તિ થઈ હતી, જેણે આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારમાં મદદ કરી હતી.

arvind kejriwal aam aadmi party directorate of enforcement tihar jail new delhi national news