12 July, 2024 02:53 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર
Arvind Kejriwal Gets Interim Bail: સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પૉલિસી કૌભાંડમાં પીએમએલએ હેઠળ નોંધાયેલા કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે ED ધરપકડને પડકારતી કેજરીવાલની અરજીને એ પ્રશ્ન સાથે મોટી બેંચને મોકલી હતી કે શું ધરપકડની જરૂરિયાતને PMLAની કલમ 19માં ફરજિયાત શરત તરીકે જોવામાં આવે છે.
જસ્ટિસ ખન્નાએ પોતાના નિર્ણયમાં સ્વીકાર્યું છે કે, માત્ર પૂછપરછથી EDને ધરપકડની પરવાનગી મળતી નથી. PMLAની કલમ 19 હેઠળ આનો કોઈ આધાર નથી. ચુકાદાના અંશો વાંચતા જસ્ટિસ ખન્નાએ કહ્યું, કે “અમે બીજો મુદ્દો ઉઠાવ્યો છે જે ધરપકડની જરૂરિયાત સાથે સંબંધિત છે. અમે વિચાર્યું કે શું ધરપકડની આવશ્યકતાનો આધાર PMLAની કલમ 19માં વાંચવો જોઈએ. અમે તે પ્રશ્નોને મોટી બેન્ચને મોકલી દીધા છે.”
લાઈવ લૉના અહેવાલ મુજબ, કેસને સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચને મોકલતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે તેમની અત્યાર સુધીની જેલને ધ્યાનમાં રાખીને તેમને વચગાળાના જામીન આપવાનો નિર્ણય કર્યો હતો. બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે વચગાળાના જામીનના પ્રશ્નમાં મોટી બેન્ચ દ્વારા સુધારો કરી શકાય છે.
જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે, “ઇડીના માનવાનાં કારણો અંગે અમારા તારણો મુજબ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં આવે.” જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, “જીવન અને સ્વતંત્રતાનો અધિકાર પવિત્ર છે. અરવિંદ કેજરીવાલને 90 દિવસની જેલવાસમાં નુકસાન થયું છે. અમે નિર્દેશ કરીએ છીએ કે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવે.”
બેન્ચે કહ્યું કે, “અમે જાણીએ છીએ કે અરવિંદ કેજરીવાલ એક ચૂંટાયેલા નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન છે. આ મહત્વ અને પ્રભાવ સાથેની સ્થિતિ છે. અમે તેમને પદ છોડવા માટે કોઈ નિર્દેશ આપી રહ્યા નથી, કારણ કે અમને શંકા છે કે શું કોર્ટ કોઈ ચૂંટાયેલા નેતાને રાજીનામું આપવા અથવા મુખ્યપ્રધાન અથવા પ્રધાન તરીકે કામ ન કરવાનો નિર્દેશ આપી શકે છે. અમે આ નિર્ણય અરવિંદ કેજરીવાલ પર છોડીએ છીએ. જો યોગ્ય માનવામાં આવે તો, મોટી બેન્ચ પ્રશ્નોનો નિર્ણય કરી શકે છે અને આવા કિસ્સાઓમાં લાદવામાં આવી શકે તેવી શરતો સૂચવી શકે છે.”
કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, ચુકાદામાં કરવામાં આવેલા અવલોકનોને આરોપોની યોગ્યતા પરના નિષ્કર્ષ તરીકે સમજી શકાય નહીં. રેગ્યુલર જામીન માટેની અરજી તેના ગુણદોષના આધારે નક્કી કરી શકાય છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે 17 મે, 2024ના રોજ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યા બાદ ચુકાદો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, “અરવિંદ કેજરીવાલ હાલ કસ્ટડીમાં રહેશે, કારણ કે તેમની સીબીઆઈ દ્વારા 25 જૂનના રોજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સમાન દારૂ નીતિ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.”