07 October, 2024 09:27 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં જનતા કી અદાલત કાર્યક્રમમાં લોકોને રેવડીનું પૅકેટ દેખાડતા અરવિંદ કેજરીવાલ.
આમ આદમી પાર્ટી (AAP)ના નૅશનલ કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે દિલ્હીમાં આયોજિત જનતા કી અદાલતને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને જણાવ્યું હતું કે જો તેઓ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) શાસિત બાવીસ રાજ્યોમાં મફત વીજળી-પુરવઠાની જાહેરાત કરી દેશે તો હું ભારતીય જનતા પાર્ટી (BJP) માટે પ્રચાર કરીશ.
આ કાર્યક્રમને સંબોધતાં કેજરીવાલે દાવો કર્યો હતો કે ‘દેશમાં ડબલ એન્જિનની સરકારોનું મૉડલ નિષ્ફળ રહ્યું છે અને હરિયાણા તેમ જ જમ્મુ એન્ડ કશ્મીરમાં BJPનો પરાજય નિશ્ચિત છે. ડબલ એન્જિન મૉડલ એટલે ડબલ લૂંટ અને ડબલ કરપ્શનનું મૉડલ છે. હરિયાણા તેમ જ જમ્મુ અને કશ્મીરમાં ડબલ એન્જિનની સરકારોનું પતન થવાનું છે એવું એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે.’
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને લોકોને કહ્યું હતું કે ‘અમારી પાર્ટીએ દિલ્હીવાસીઓને વીજળી, પાણી, સ્વાસ્થ્ય, શિક્ષા, મહિલાઓને બસયાત્રા અને સિનિયર સિટિઝનોને તીર્થયાત્રા જેવી છ રેવડીઓ આપી છે. જો BJP સત્તામાં આવશે તો એ બધું ઝૂંટવી લેશે.’
દિલ્હીના સંદર્ભમાં બોલતાં કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ‘BJP જનવિરોધી અને ગરીબવિરોધી છે. એણે બસમાંથી માર્શલો હટાવ્યા છે, ડેટા-એન્ટ્રી ઑપરેટરો અને હોમગાર્ડના પગાર અટકાવ્યા છે, દિલ્હીમાં લોકશાહી નથી, પણ લેફ્ટનન્ટ ગવર્નરનું શાસન છે.’