04 April, 2024 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરુણ ગોવિલ
રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલમાં રામનું પાત્ર ભજવનારા ઍક્ટર અરુણ ગોવિલ ૬૨.૯૯ લાખ રૂપિયાની કિંમતની મર્સિડીઝ કાર સહિત કુલ ૩.૧૯ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. મેરઠ બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તરીકે ચૂંટણીપંચને આપેલા ઍફિડેવિટમાં તેમણે આ માહિતી આપી હતી. સાથે જ તેઓ ૧૪ લાખની કાર-લોન પણ ધરાવે છે. તેમનાં પત્ની શ્રીલેખા ગોવિલ ૨.૭૬ કરોડની સંપત્તિ ધરાવે છે. ટીવી-સિરિયલમાં રાવણનો વધ કરનારા અરુણ ગોવિલના માથે એક પણ ક્રિમિનલ કેસ નથી. ૭૨ વર્ષના અરુણ ગોવિલ પોતે મુંબઈની વર્સોવા વિધાનસભા બેઠકના મતદાર છે. ઍફિડેવિટ મુજબ તેમના બૅન્ક-ખાતામાં ૧.૦૩ કરોડ તથા તેમની પત્નીના ખાતામાં ૮૦.૪૩ લાખ રૂપિયાની કૅશ છે. અરુણ ગોવિલનો જન્મ મેરઠમાં થયો હતો તથા અહીં તેમણે ૧૭ વર્ષ ગાળ્યાં હતાં. મેરઠમાં લોકસભા ચૂંટણી માટે ૨૬ એપ્રિલે મતદાન થશે.