01 April, 2025 11:13 AM IST | Meerut | Gujarati Mid-day Correspondent
અરુણ ગોવિલે મેરઠ હત્યાકાંડનાં આરોપીઓ મુસ્કાન અને સાહિલને જેલમાં રામાયણની કૉપી આપી
‘રામાયણ’ સિરિયલમાં રામનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા થયેલા ઍક્ટર અને હાલમાં મેરઠના સંસદસભ્ય અરુણ ગોવિલે ઘર-ઘર રામાયણ અભિયાન હેઠળ રામાયણની ૧૧ લાખ પ્રતો વહેંચવાનો નિર્ધાર કર્યો છે અને આ અભિયાન હેઠળ તેમણે મેરઠની ચૌધરી ચરણસિંહ જિલ્લા જેલમાં કેદીઓને રામાયણની પ્રતો આપી હતી. મેરઠના બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યાકાંડનાં આરોપી મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને પણ તેઓ મળ્યા હતા અને તેમને પણ રામાયણની પ્રત આપી હતી. અરુણ ગોવિલે જેલમાં રામાયણની ૧૫૦૦ પ્રત વહેંચી હતી.
આ મુદ્દે અરુણ ગોવિલે કહ્યું હતું કે ‘બેઉનાં મનમાં દુઃખ હતું. મેં તેમની સાથે કોઈ વાત કરી નહોતી કે તેમણે પણ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહોતો. મેં કેદીઓને વિનંતી કરી હતી કે તેઓ રામાયણ વાંચે અને પ્રતિજ્ઞા લેવા કહ્યું હતું કે તેઓ ફરી કદી એવું કામ નહીં કરે કે જેથી તેમને જેલમાં આવવું પડે.’
મુસ્કાન સિલાઈ કરશે, સાહિલ ખેતી કરશે
જેલમાં જુડિશ્યલ કસ્ટડીના ૧૦ દિવસ પૂરા થયા બાદ મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને કામ સોંપવામાં આવ્યું છે. મુસ્કાને સિલાઈ અને સાહિલે ખેતીનું કામ કરવાનું પસંદ કર્યું છે. તેમને આજથી ટ્રેઇનિંગ આપવામાં આવશે. આજથી મુસ્કાન અન્ય મહિલા કેદીઓની સાથે રહીને સિલાઈકામ શીખશે અને સાહિલ ખેતીવાડીમાં શાકભાજી ઉગાડવાનું કામ કરશે.