03 October, 2025 08:55 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
નાગપુરમાં ગઈ કાલે RSSના શતાબ્દીવર્ષે વિજયાદશમીની ભવ્ય ઉજવણીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમનું સંઘપ્રમુખ મોહન ભાગવતે અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ સ્વયંસેવકના પહેરવેશમાં હાજરી આપી હતી. ૨૧,૦૦૦ સ્વયંસેવકો આ સમારોહમાં જોડાયા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપનાના શતાબ્દીવર્ષની ભવ્ય ઉજવણી ગઈ કાલે નાગપુરમાં થઈ હતી. ડૉ. કેશવ બળીરામ હેડગેવારે RSSની સ્થાપના ૧૯૨૫માં વિજયાદશમીના શુભ દિને કરી હતી. વર્ષોથી નાગપુરમાં આ દિવસની ઉજવણીની પરંપરા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની વિશેષ ઉપસ્થિતિમાં આ વર્ષની વિજયાદશમીની ઉજવણી થઈ હતી, જેમાં ૨૧,૦૦૦ સ્વયંસેવકોએ હાજરી આપી હતી. RSSના સરસંઘ સંચાલક મોહન ભાગવતે આ પ્રસંગે તેમના સંબોધનમાં અનેક બાબતોને આવરી લીધી હતી. વાંચો...
શાખા એક વિશિષ્ટ વ્યવસ્થા
લાંબા સમયથી વિદેશી આક્રમણો થતાં રહ્યાં હોવાથી આપણી દેશી પરંપરાઓ નષ્ટ થઈ ગઈ છે, જેને આજના સમયને અનુરૂપ બનાવીને સમાજ અને શિક્ષણપ્રણાલીમાં ફરી પ્રસ્થાપિત કરવાની જરૂર છે. આપણે એવી વ્યક્તિઓ તૈયાર કરવી પડશે જે આ કાર્ય કરી શકે. આના માટે ફક્ત માનસિક સહમતી જ નહીં પણ મન, વાણી અને કર્મમાં પણ બદલાવ લાવવાની જરૂર છે. આ બદલાવ સિસ્ટમ વગર સંભવ નથી અને સંઘની શાખા એક જ એવી વ્યવસ્થા છે જે આ કાર્ય કરી રહી છે.
શરીર સાથે વ્યક્તિત્વનો વિકાસ
શાખા માત્ર શારીરિક અભ્યાસની નહીં પણ વ્યક્તિત્વ-નિર્માણ અને સમાજમાં સકારાત્મક આદતોનું નિર્માણ કરતી પ્રયોગશાળા છે. ૧૦૦ વર્ષથી સંઘના સ્વયંસેવકો આ વ્યવસ્થાને દરેક પરિસ્થિતિમાં ચલાવતા રહ્યા છે અને આગળ પણ ચલાવતા રહેશે. સ્વયંસેવકોએ રોજ શાખાના કાર્યક્રમ પૂરી શ્રદ્ધા સાથે કરવા જોઈએ અને પોતાના આચરણમાં પરિવર્તન લાવવાની સાધના કરતા રહેવું જોઈએ.
પ્રગતિ માટે ઇચ્છાશક્તિ જોઈએ
સમાજનો વિકાસ કરવા માત્ર વ્યવસ્થા જ જવાબદાર હોય એ પૂરતું નથી હોતું, પણ પરિવર્તનની અસલી શક્તિ સમાજની ઇચ્છાશક્તિમાં હોય છે. એટલે વ્યક્તિગત સદ્ગુણો, સામૂહિક ભાવના અને સેવાભાવને સમાજમાં ફેલાવવાનું કાર્ય સંઘ કરી રહ્યો છે. સંપૂર્ણ હિન્દુ સંગઠિત સમાજ અને શીલ-સંપન્ન શક્તિ આ બે બાબતો આપણા દેશની એકતા, અખંડિતતા, વિકાસ અને સુરક્ષાની ગૅરન્ટી છે. હિન્દુ સમાજ જ ભારતની પ્રગતિ માટે જવાબદાર છે અને એ સર્વસમાવેશી સમાજ છે. આપણી સર્વસમાવેશી વસુધૈવ કુટુંબકમની ઉદાર ભાવના જ ભારતની તાકાત છે અને આ વિચારને દુનિયા સુધી પહોંચાડવો એ હિન્દુ સમાજનું કર્તવ્ય છે.
RSSના અમરાવતીના કાર્યક્રમમાં નહીં જાય CJIનાં મમ્મી
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) બી. આર. ગવઈનાં માતા કમલતાઈ ગવઈએ ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે તેમણે RSS તરફથી તેમને જે આમંત્રણ મળ્યું હતું એનો સ્વીકાર્ય કર્યો નથી. પાંચ ઑક્ટોબરે અમરાવતીમાં યોજાનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કમલતાઈને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કમલતાઈએ એક જાહેર પત્રમાં એવું લખ્યું હતું કે ‘આમંત્રણ આવતાં જ અનેક લોકોએ મારા અને મારા સ્વર્ગીય પતિ દાદાસાહેબ ગવઈ પર આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું હતું પણ મારા પતિ ઘણું સમજીવિચારીને જુદી-જુદી વિચારધારાઓ ધરાવતાં અનેક સંગઠનોના કાર્યક્રમમાં સામેલ થતા હતા જેથી તેઓ વંચિતોનો મુદ્દો અનેક મંચ પરથી ઉઠાવી શકે. તેઓ RSSના કાર્યક્રમમાં પણ એટલે જ સામેલ થતા હતા, પણ તેમણે ક્યારેય હિન્દુત્વનો સ્વીકાર કર્યો નહોતો. મારા પતિની બદનામી કરવાની કોશિશ થતાં મેં આ કાર્યક્રમમાં ન જવાનો નિર્ણય લીધો છે.’
બીજું શું-શું બોલ્યા હતા મોહન ભાગવત?
પહલગામ હુમલા પછી વિશ્વમાં કોણ-કોણ ભારતનું મિત્ર છે એની પરીક્ષા થઈ ગઈ.
ભારત આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે, પણ અમેરિકાએ જે રીતે પોતાના હિતના આધારે નીતિઓ બનાવી છે એનાથી આપણે નવેસરથી વિચાર કરવો પડશે.
વિશ્વ પરસ્પર-નિર્ભરતા પર જીવે છે, પણ આ પરસ્પર-નિર્ભરતા આપણી મજબૂરી ન બનવી જોઈએ.
સ્વદેશી અને સ્વાવલંબનનો કોઈ પર્યાય નથી. અર્થ અને કામ પાછળ આંધળી થઈને દોડતી દુનિયાને ભારતે ધર્મનો માર્ગ દર્શાવવો પડશે.