03 April, 2024 07:42 AM IST | Indore | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
1 એપ્રિલના રોજ, 18 વર્ષના વિદ્યાર્થીએ તેના મિત્રને મૂર્ખ બનાવવાના પ્રયાસમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલો ઈન્દોરનો છે. અહીં, એક 18 વર્ષીય વિદ્યાર્થીએ કથિત રીતે તેના મિત્રને ‘એપ્રિલ ફૂલ’ (April Fool) બનાવતી વખતે આકસ્મિક રીતે ફાંસી લગાવીને પોતાનો જીવ ગુમાવ્યો છે. એક પોલીસ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી છે.
એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાજેશ દાંડોટિયાએ જણાવ્યું હતું કે, મલ્હારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રઘુવંશી (18)એ સોમવાર, 1 એપ્રિલના રોજ તેના એક મિત્રને ‘એપ્રિલ ફૂલ’ (April Fool) બનાવવા માટે વીડિયો કૉલ કર્યો હતો અને ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનું નાટક કર્યું હતું. તેણે પોતાના ગળે ફાંસી લગાવવાનું નાટક કર્યું હતું, પરંતુ આ નાટક હકીકતમાં પરિણમ્યું.
તેમણે આગળ કહ્યું કે, “તે દરમિયાન, રઘુવંશી જે સ્ટૂલ પર ઊભો હતો તે અકસ્માતે સરકી ગયું હતું. તેથી તે ખરેખર ફાંસી પર લટકી ગયો હતો.” દાંડોટિયાએ જણાવ્યું હતું કે, રઘુવંશી વહીવટીતંત્રના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)ના ડ્રાઇવરનો પુત્ર છે. તેમણે કહ્યું કે ઘટના સ્થળને સીલ કરી દેવામાં આવ્યું છે અને વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસએ કહ્યું કે, રઘુવંશીના મૃત્યુની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે.
વાયરલ વીડિયો (April Fool) એટલો દર્દનાક છે કે, તેને તમારી સાથે શેર કરી શકતા નથી. વીડિયો જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. લોકો કહે છે કે, આજના યુવાનો વાસ્તવિક જીવનમાંથી ભટકી રહ્યા છે. તેઓ શોમેનશિપમાં વધુ છે. આ વિદ્યાર્થીના મૃત્યુ પર ઘણા લોકો દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. તે જ સમયે ઘણા લોકો અન્ય લોકોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ક્યારેક એવા સંયોગો બને છે કે જેના પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી, તેથી આવા કામ કરતાં પહેલાં સાવધાન રહેવું જોઈએ.
પત્ની સિંદૂર ન લગાવે તો પતિ સાથે ક્રૂરતા કહેવાય? ઇન્દોરની ફૅમિલી કોર્ટ આવું માને છે
ઇન્દોરની ફૅમિલી કોર્ટે પાંચ વર્ષથી અલગ રહેતાં પતિ-પત્નીને ફરી સાથે રહેવાનો આદેશ આપીને એવી ટિપ્પણી કરી છે જે કદાચ આજ સુધી કોઈએ નહીં સાંભળી હોય. કોર્ટે માથામાં સિંદૂર નહીં લગાવતી પત્નીને કહ્યું કે પત્ની તેની માંગ (સેંથી)માં સિંદૂર ન લગાવે તો એ એક પ્રકારે પતિ સાથે ક્રૂરતા છે, લગ્ન બાદ સિંદૂર લગાવવું એ દરેક પત્નીનું ધાર્મિક દાયિત્વ છે, ભારતીય સંસ્કૃતિમાં સેંથીમાં સિંદૂર એ મહિલા પરણેલી હોવાની નિશાની છે.
૨૦૧૭માં આ દંપતીનાં લગ્ન થયાં હતાં અને તેમને પાંચ વર્ષનો પુત્ર છે. છેલ્લાં પાંચ વર્ષથી પત્ની અલગ રહે છે. પતિએ તેને કાઢી મૂકી નહોતી, પણ તે પોતાની રીતે અલગ થઈ ગઈ હતી. આટલાં વર્ષથી અલગ રહેતી હોવાથી પત્નીએ સિંદૂર લગાવવાનું બંધ કરી દીધું હતું. જોકે પતિએ ફૅમિલી કોર્ટમાં અરજી કરીને તેની પત્ની ફરી ઘરે આવે અને સંસાર માંડે એવી માગણી કરી હતી. ૧૧ પાનાંના ચુકાદામાં કોર્ટે ગુવાહાટી હાઈ કોર્ટના એક ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે પતિએ પત્નીનો ત્યાગ કર્યો નથી, પણ કોઈ પણ કારણ વિના પત્ની તેના પતિથી અલગ રહે છે.