વડા પ્રધાન સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવાની કૉન્ગ્રેસની તૈયારી

01 August, 2024 08:43 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

લોકસભાની કાર્યવાહીમાંથી અનુરાગ ઠાકુરનાં વાંધાનજક નિવેદનો હટાવવામાં આવ્યાં, પણ નરેન્દ્ર મોદીએ એ સ્પીચ સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું કે લોકો એ જરૂર સાંભળે

અનુરાગ ઠાકુર

સંસદના મૉન્સૂન સત્રમાં બજેટ પરની ચર્ચામાં હિમાચલ પ્રદેશના યુવા સંસદસભ્ય અનુરાગ ઠાકુરે આપેલા પ્રવચન પર ઘમસાણ મચ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રવચનને સોશ્યલ મીડિયા પોર્ટલ ઍક્સ પર પોસ્ટ કરીને લોકોને એ સાંભળવાની વિનંતી કરી છે ત્યારે બીજી તરફ આનાથી કૉન્ગ્રેસ ધૂંઆપૂંઆ છે અને એણે મોદીના આ નિવેદનને વિશેષાધિકારના ઉલ્લંઘન, બેહદ અપમાનજનક અને ગેરબંધારણીય ગણાવ્યું છે. કૉન્ગ્રેસના જલંધરના સંસદસભ્ય ચરણજિત સિંહ ચન્નીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રિવિલેજ મોશન (વિશેષાધિકાર ભંગ)નો પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપી છે.

હમીરપુરથી પાંચ વાર સંસદસભ્ય ચૂંટાયેલા અનુરાગ ઠાકુરે મંગળવારે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે જેમની જાતિની ખબર નથી તેઓ જાતિ જનગણનાની વાત કરે છે. અનુરાગ ઠાકુરે કોઈનું નામ લીધું નહોતું. વિપક્ષોનો આરોપ છે કે અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી માટે આમ કહ્યું હતું. જોકે આ નિવેદનને લોકસભાની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યું છે.

વડા પ્રધાને ઍક્સ પર લખ્યું હતું કે ‘આ ભાષણ મારા યુવા અને ઊર્જાવાન સહયોગી અનુરાગ ઠાકુરનું છે, જે અવશ્ય સાંભળવું જોઈએ. એમાં તથ્યો અને હાસ્યનું પર્ફેક્ટ મિશ્રણ છે. આ ભાષણ INDI ગઠબંધનની ગંદી રાજનીતિને ઉજાગર કરે છે.’

કૉન્ગ્રેસના  જલંધરના સંસદસભ્ય અને પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચરણજિત સિંહ ચન્નીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રિવિલેજ મોશન (વિશેષાધિકાર ભંગ)નો પ્રસ્તાવ લાવવા માટે લોકસભાના સેક્રેટરી જનરલને નોટિસ આપી છે. ચન્નીએ તેમના પત્રમાં જણાવ્યું છે કે ઠાકુરે કરેલી કેટલીક વાંધાજનક બાબતોને સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવી છે, પણ જે વાતો હટાવવામાં આવી છે એને વડા પ્રધાને ઍક્સ પર આખી સ્પીચના વિડિયો સાથે ટ્વીટ કરી છે અને સંસદની કાર્યવાહીમાંથી હટાવવામાં આવેલા શબ્દો પણ ટ્વીટ કરવામાં આવ્યા છે.

કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશે ઍક્સ પર લખ્યું હતું કે વડા પ્રધાન કહે છે કે ‘આ ભાષણ જરૂર સાંભળો. એ બેહદ અપમાનજનક અને ગેરબંધારણીય છે. વડા પ્રધાને એ ભાષણ શૅર કર્યું છે. આ સંસદીય વિશેષાધિકારના ઉલ્લંઘનને પ્રોત્સાહન આપવા જેવું છે. અનુરાગ ઠાકુરનું ભાષણ દલિતો, આદિવાસી અને અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ને નીચા બતાવે છે.’

ઈંટનો જવાબ પથ્થરથી, અનુરાગ ઠાકુરે અખિલેશના જૂના વિડિયો પોસ્ટ કર્યા

લોકસભામાં અનુરાગ ઠાકુરની સ્પીચના મુદ્દે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કરેલા વિરોધનો અનુરાગ ઠાકુરે અ​​ખિલેશ યાદવના નવા અને જૂના વિડિયોના માધ્યમથી જવાબ આપ્યો છે. અખિલેશ યાદવે મંગળવારે લોકસભામાં અનુરાગ ઠાકુરને પૂછ્યું હતું કે તમે કોઈને તેની જાતિ કેવી રીતે પૂછી શકો? પણ અખિલેશ યાદવ પત્રકારોને તેમની જાતિ પૂછી રહ્યા હોય એવા જૂના વિડિયો પણ અનુરાગ ઠાકુરે તેમની પોસ્ટમાં સામેલ કર્યા છે. અનુરાગ ઠાકુરે સવાલ કર્યો હતો કે અખિલેશજી, તમે કોઈને તેની જાતિ કેવી રીતે પૂછી શકો?

 

national news himachal pradesh anurag thakur narendra modi bharatiya janata party congress india political news social media Lok Sabha