05 June, 2023 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઓડિશા(Odisha Train Accident)ના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ વધુ એક અકસ્માત થયો છે. રાજ્યના બારગઢમાં માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. દુર્ઘટના સમયે ટ્રેનમાં કોઈ સામાન હતો નહીં. અકસ્માતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. નોંધનીય છે કે બાલાસોર (Balasore Train accident)માં શુક્રવારે સાંજે થયેલા અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા અને 1100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
અકસ્માતના 51 કલાક બાદ ટ્રેક શરૂ થયો
તે જ સમયે, બાલાસોરમાં દર્દનાક અકસ્માત(Balasore Train accident) પછી રેલ્વે કર્મચારીઓએ ટ્રેકને પુનઃસ્થાપિત કરવા માટે સખત મહેનત કરી છે. આ ટ્રેક પર ફરીથી ટ્રેનો દોડવા લાગી છે. અકસ્માત બાદ આ ટ્રેક પરની પહેલી માલગાડી રાત્રે રવાના થઈ હતી. આ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઘટનાસ્થળે હાજર હતા. આ પછી આજે સવારે અહીંથી વંદે ભારત ટ્રેન પણ પસાર થઈ હતી. ભયાનક અકસ્માતના 51 કલાક પછી જ કામદારોએ રીપેર કરીને ટ્રેકને સરળ બનાવ્યો હતો.
અમારી જવાબદારી હજુ પૂરી નથી થઈ - રેલવે મંત્રી
રવિવારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માત વિશે વાત કરતા ભાવુક થઈ ગયા અને કહ્યું કે અમારી જવાબદારી પૂરી નથી થઈ. વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે “અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારજનો શક્ય તેટલી વહેલી તકે તેમને શોધી કાઢે…અત્યાર સુધીમાં 3 ટ્રેનો ગઈ છે અને લગભગ 7 ટ્રેનો રાત્રે જવાનું આયોજન છે.” રેલવે મંત્રીએ રડતા રડતા કહ્યું, જે પરિવારજનોના લોકો ગુમ થયા છે તેમને વહેલી તકે તેમના પરિવાર સુધી પહોંચાડવા છે.
આ પણ વાંચો: સોશ્યલ મીડિયામાં પીડિતો માટે દુ:ખ વ્યક્ત કરવાથી કાંઈ નહીં વળે : સોનુ સૂદ
બાલાસોર ટ્રેન-અકસ્માતને લઈ ઘણા વિવાદો ચાલી રહ્યાં છે. આની વચ્ચે ઓડિશા પોલીસે બાલાસોર ટ્રેન-અકસ્માતને લઈને લોકોને અફવા ન ફેલાવવાની સલાહ આપી છે. નોંધનીય છે કે કેટલાક લોકો આ દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કરી રહ્યા છે. તેમના તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે દુર્ઘટનાના સ્થળની પાસે એક મસ્જિદ હતી. સોશ્યલ મીડિયા પર આવા મેસેજિસ ફેલાવવાની સામે ચેતવણી આપતાં ઓડિશા પોલીસે જણાવ્યું હતું કે અફવા ફેલાવીને સાંપ્રદાયિક તણાવ ઉભો કરવાનો પ્રયાસ ન કરો.