દાદાને ભારત રત્ન મળવા સાથે જ ઇન્ડિયા બ્લૉકને રામ-રામ કર્યું જયંત ચૌધરીએ

13 February, 2024 10:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ અવસર પર આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરીએ કહ્યું કે પોતે ઘણું સમજી-વિચારીને આ નિર્ણય લીધો છે.

જયંત ચૌધરી

નવી દિલ્હી: રાષ્ટ્રીય લોક દળ સત્તાવાર રીતે સોમવારે બીજેપીની આગેવાનીવાળા નૅશનલ ડેમોક્રેટિકલ અલાયન્સ (એનડીએ)માં સામેલ થઈ ગયા છે. આ અવસર પર આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરીએ કહ્યું કે પોતે ઘણું સમજી-વિચારીને આ નિર્ણય લીધો છે. જયંત ચૌધરીના દાદા ચૌધરી ચરણ સિંહને ભારતરત્ન આપ્યા બાદથી એવી અટકળો વહેતી થઈ હતી કે તે વિપક્ષના ઇન્ડિયા બ્લૉક છોડીને એનડીએમાં સામેલ થઈ શકે છે. જેના પર આખરે મોહર લાગી ગઈ છે.

પશ્ચિમી યુપીને જાટ, ખેડૂત અને મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર માનવામાં આવે છે. અહીં લોકસભાની કુલ ૨૭ સીટ છે અને ૨૦૧૯માં બીજેપીને ૧૯ સીટ પર જીત મળી હતી, જ્યારે ૮ સીટ પર વિપક્ષી ગઠબંધનનો કબજો હતો. એમાંથી ૪ એસપી અને ૪ બીએસપીના ખાતામાં ગઈ હતી, પણ આરએલડીને કોઈ સીટ પર જીત મળી નહોતી. ત્યાં સુધી કે જયંતને પશ્ચિમી યુપીમાં જાટ સમાજનો પણ સાથ મળ્યો નહોતો. એટલું જ નહીં, ૨૦૧૪ની ચૂંટણીમાં પણ નિરાશ થવું પડ્યું હતું અને એક પણ સીટ મળી નહોતી.

national news Lok Sabha Election 2024 bharatiya janata party