01 April, 2023 11:49 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવામાં આવતાં ભારતના રાજકારણમાં હંગામો મચી ગયો છે. આવા હંગામા વચ્ચે ન્યુઝ આવ્યા છે કે ચૂંટણીમાં ખર્ચને સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ ચૂંટણી લડવાથી ડિસક્વૉલિફાય કરવામાં આવેલી વ્યક્તિઓના ચૂંટણીપંચના લિસ્ટમાં બીજા એક રાહુલ ગાંધી (પિતા વેલસમ્મા)નું નામ સામેલ થઈ ગયું છે. આ રાહુલ ગાંધીએ ૨૦૧૯માં કેરલાની વાયનાડની સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી. આ સીટ પર કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી સાત લાખથી વધારે મતથી જીત્યા હતા.
એકસરખા નામ ધરાવતા ઉમેદવારો એક જ બેઠક પરથી ચૂંટણી લડે એ સામાન્ય છે. જોકે તમામ ઉમેદવારોએ જનપ્રતિનિધિત્વ કાયદા અને ચૂંટણીપંચના નિયમો હેઠળ ચૂંટણીના ખર્ચની વિગતો આપવી ફરજિયાત છે.
નોંધપાત્ર છે કે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગયા અઠવાડિયામાં ડિસક્વૉલિફાય થયા હતા. તેમને બદનક્ષીના કેસમાં દોષી ગણાવાયા અને સજા કરવામાં આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું.