04 March, 2024 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આંધ્રપ્રદેશ ટ્રેન અકસ્માતની તસવીર
આંધ્ર પ્રદેશમાં ગયા વર્ષે ૧૪ પ્રવાસીઓના જીવ લેનારા અકસ્માતનું કારણ છેક હવે બહાર આવ્યું છે. રેલવેપ્રધાનનું કહેવું છે કે આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય એ માટે અમે ખાસ સિસ્ટમ ઇન્સ્ટૉલ કરી રહ્યા છીએ. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે આંધ્ર પ્રદેશમાં ગયા વર્ષે ઑક્ટોબરમાં થયેલી ટ્રેન-દુર્ઘટનાનું કારણ દર્શાવતાં કહ્યું હતું કે ટ્રેનનો ડ્રાઇવર અને અસિસ્ટન્ટ ડ્રાઇવર ફોન પર ક્રિકેટમૅચ જોવામાં વ્યસ્ત હતા. ૨૦૨૩ની ૨૯ ઑક્ટોબરે આંધ્ર પ્રદેશના વિજયાનગર જિલ્લાના કંટકપલ્લીમાં હાવડા-ચેન્નઈ લાઇન પર સાંજે ૭ વાગ્યે એક પૅસેન્જર ટ્રેને બીજી ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં ૧૪ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં અને ૫૦ લોકો ઘાયલ થયા હતા.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આંધ્ર પ્રદેશમાં ગયા વર્ષે ટ્રેન-અકસ્માત એટલા માટે થયો હતો કારણ કે લોકો-પાઇલટ અને કો-પાઇલટ બન્ને મોબાઇલ પર ક્રિકેટમૅચ જોઈ રહ્યા હતા. રેલવેપ્રધાને વધુમાં જણાવ્યું કે રેલવે વિભાગ એવી સિસ્ટમ ઇન્સ્ટૉલ કરી રહ્યું છે જે આવા કોઈ વિક્ષેપને ડિટેક્ટ કરી શકશે તેમ જ એ સુનિશ્ચિત કરશે કે પાઇલટ અને કો-પાઇલટનું સંપૂર્ણ ધ્યાન ટ્રેન ચલાવવા પર હોય.
કમિશનર્સ ઑફ રેલવે સેફ્ટી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસનો રિપોર્ટ હજી જાહેર કરવામાં આવ્યો નથી, પણ પ્રાથમિક તપાસમાં પૅસેન્જર ટ્રેનના ડ્રાઇવર અને સહ-ડ્રાઇવરને અકસ્માત માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા. તેમણે બે ડિફેક્ટિવ ઑટો સિગ્નલ પાર કરીને ધોરણોનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે આ અકસ્માતમાં બન્નેનાં મૃત્યુ
થયાં હતાં.