21 September, 2024 08:43 AM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent
તિરુપતિ બાલાજીના લાડુના પ્રસાદમાં અગાઉ પ્રાણીજન્ય ચરબીવાળું ઘી વપરાતું હતું એ બાબતે થયેલા વિવાદ પછી ગઈ કાલે ભોપાલમાં સંસ્કૃતિ બચાઓ મંચના કાર્યકર્તાઓએ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગમોહન રેડ્ડી સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
બજારમાં ૫૦૦ રૂપિયે કિલો ઘી મળતું હતું ત્યારે ૩૨૦ રૂપિયે કિલોના ભાવે ઘી ખરીદતી હતી અગાઉની જગનમોહન રેડ્ડી સરકાર, તેમની જ બહેને CBI તપાસની માગણી કરી
આંધ્ર પ્રદેશમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)નો લાડુનો પ્રસાદ બનાવવા માટે અગાઉની જગનમોહન રેડ્ડીની સરકાર વખતે ઘીમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ થતો હતો એવા મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુના દાવા બાદ આ મુદ્દે દેશભરમાં જોરદાર વિવાદ થયો છે અને કરોડો હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે. આ મુદ્દે એક તરફ કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ મગાવ્યો છે ત્યારે બીજી તરફ આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા ઘીના સપ્લાયરને બદલીને હવે નંદિની બ્રૅન્ડના ઘીમાં લાડુનો પ્રસાદ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સમયે બજારમાં ઘીનો ભાવ ૫૦૦ રૂપિયે કિલો હતો ત્યારે દેવસ્થાનમ ૩૨૦ રૂપિયે કિલોના ભાવે ઘી ખરીદતું હતું. જોકે આ મુદ્દે હવે જગનમોહન રેડ્ડીએ કહ્યું હતું કે ભગવાનને વિવાદમાં ઘસડવા અનાવશ્યક છે, હું આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડને પત્ર લખીશ.
જગનમોહનની બહેન અને આંધ્ર પ્રદેશ કૉન્ગ્રેસની પ્રમુખ વાય. વી. શર્મિલાએ આ મુદ્દે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસની માગણી કરી છે. જગમોહન અને શર્મિલા વચ્ચે સારા સંબંધો નથી.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી, પણ ચાર સભ્યોની એક કમિટી બનાવી છે જે પ્રસાદ બનાવવામાં વાપરવામાં આવતી ફૂડ-સામગ્રીમાં જળવાતા ક્વૉલિટી સ્ટાન્ડર્ડ વિશે રિપોર્ટ આપશે. આ મુદ્દે ગયા મહિનાઓમાં લાડુની ક્વૉલિટી વિશે ભાવિકોની ફરિયાદને પગલે ખુદ TTD બોર્ડે જ લૅબોરેટરીનો રિપોર્ટ માગ્યો હતો.
આ મુદ્દે જગનમોહન રેડ્ડીના પક્ષ YSRCP (યુવજન શ્રમિક રિથુ કૉન્ગ્રેસ પાર્ટી)ના સિનિયર નેતા વાય. વી. સુબ્બારેડ્ડીએ આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને આ વિવાદમાં સત્ય બહાર લાવવાની માગણી કરી છે. ૨૫ સપ્ટેમ્બરે આ કેસમાં સુનાવણી થશે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં પણ એક પિટિશન કરવામાં આવી છે. એમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ઘટના મૂળભૂત હિન્દુ ધાર્મિક રિવાજોનું ઉલ્લંઘન કરે છે અને કરોડો ભાવિકોની આસ્થાને ઊંડી ઠેસ પહોંચાડે છે. પ્રસાદના લાડુમાં ચરબીની કથિત હાજરી મંદિર પ્રશાસનના કારભાર સામે સવાલો ઊભા કરે છે અને આથી હિન્દુ ધાર્મિક સ્થળોની પવિત્રત જળવાઈ રહે અને સુરક્ષિત રહે એવી માગણી કરવામાં આવી છે.
આ મુદ્દે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે પણ રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ મગાવ્યો છે. આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડાએ આ મુદ્દે કહ્યું હતું કે ‘મેં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ સાથે વાતચીત કરી છે અને જે વિગતો ઉપલબ્ધ હોય એ મોકલવા જણાવ્યું છે. ત્યાર બાદ આ મુદ્દે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના સહયોગમાં કાર્યવાહી કરશે અને ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ્સ હેઠળ દોષીઓ સામે પગલાં લેવામાં આવશે.’
હવે નંદિની ઘીમાંથી લાડુ બનશે
જુલાઈ મહિનામાં ચંદ્રાબાબુ નાયડુ સરકારે ઘી સપ્લાય કરતી એ. આર. ફૂડ ડેરી સાથેનો કૉન્ટ્રૅક્ટ રદ કરીને ઘીની સપ્લાયનો કૉન્ટ્રૅક્ટ કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ને આપ્યો હતો. આ મુદ્દે KMFના ચૅરમૅન ભીમા નાઈકે કહ્યું હતું કે ‘અગાઉ અમે ઘી ૪૦૦ રૂપિયે કિલો વેચતા હતા. દૂધના ભાવમાં લીટરદીઠ ૩ રૂપિયાનો વધારો થયા બાદ આટલું સસ્તું ઘી અમે આપી શકીએ એમ ન હોવાથી અમારો કૉન્ટ્રૅક્ટ રદ કરાયો હતો. તેમણે (જગનમોહને) ઈ-ટેન્ડર દ્વારા બીજા સપ્લાયરોની પસંદગી કરી હતી. જોકે ચંદ્રાબાબુ નાયડુ સરકારે અમારી સાથેનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ કર્યો હતો. અમારા માટે ગૌરવ છે કે ફરીથી અમારા ઘીમાંથી તિરુપતિ બાલાજીના લાડુનો પ્રસાદ બનાવવામાં આવશે, જેને કરોડો ભાવિકો હોંશે-હોંશે ગ્રહણ કરશે.’
ઘીની ક્વૉલિટીના મુદ્દે સવાલ
સત્તાધારી તેલુગુ દેસમ પાર્ટી (TDP)ના પ્રવક્તા અનમ વેન્કટરમણા રેડ્ડીએ ગઈ કાલે દાવો કર્યો હતો કે ‘જગનમોહન રેડ્ડીની સરકાર હતી ત્યારે TTD બોર્ડે સૌથી લોએસ્ટ બિડરને ૩૨૦ રૂપિયે કિલોના ભાવે ઘી સપ્લાય કરવા માટે કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. આટલા ઓછા ભાવે ઘી સપ્લાય થાય ત્યારે એની ક્વૉલિટી કેવી હશે એ સમજી શકાય છે. જ્યારે શુદ્ધ ઘી ૯૦૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવે મળતું હોય ત્યારે આટલું સસ્તું ઘી ભેળસેળવાળું જ હોઈ શકે. જગનમોહન રેડ્ડીની સરકારે ઘીની ક્વૉલિટીના મુદ્દે સમાધાન કરી લીધું હતું. હવે KMF પાસેથી ૪૭૫ રૂપિયે કિલોના ભાવે ઘી ખરીદવામાં આવશે જેમાં તેમને નુકસાન થવાનું છે, પણ તિરુપતિ બાલાજીનો લાડુ પ્રસાદ નંદિની ઘીમાંથી બને છે એ તેમની બ્રૅન્ડ-વૅલ્યુ વધારશે અને એનું સેલ વધતાં નુકસાન ભરપાઈ થઈ જશે એવો વિશ્વાસ છે.’
એ. આર. ડેરી ફૂડ કંપનીએ શું કહ્યું?
TTDના એક્ઝિક્યુટિવ ઑફિસર જે. શ્યામલા રાવે દાવો કર્યો હતો કે નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ને ઘીનાં ચાર સૅમ્પલો મોકલવામાં આવ્યાં હતાં અને આ ઘી એ. આર. ડેરી ફૂડ કંપનીએ સપ્લાય કર્યું હતું. આ ઘીનાં ચાર ટૅન્કરો ૬ અને ૧૨ જુલાઈએ આવ્યાં હતાં અને એને પાછાં મોકલી દેવામાં આવ્યાં હતાં. ઘી સપ્લાય કરતી ડિન્ડિગુલની કંપની રાજ મિલ્ક - એ. આર. ડેરી ફૂડ પ્રાઇવેટ લિમિટેડે જણાવ્યું હતું કે ઘી બનાવવા માટે અમે માત્ર ગાયના દૂધનો જ ઉપયોગ કરીએ છીએ. કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર રાજશેખરન રાજુએ કહ્યું હતું કે ‘ઘીમાં પ્રાણીઓની ચરબી મળે એ સવાલ પેદા થતો નથી, કારણ કે ઘી બનાવવા માટે અમે માત્ર ગાયનું દૂધ વાપરીએ છીએ. દરેક બૅચનું દૂધ ટેસ્ટ કરવામાં આવે છે અને અમારી પાસે આ સંદર્ભના તમામ રિપોર્ટ્સ છે. વળી અમે જે ઘી બનાવીએ છીએ એ પણ પ્રૉપર ટેસ્ટિંગ બાદ મોકલીએ છીએ. ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીનો રિપોર્ટ ખોટો છે. વળી તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરનારા અમે મોટા સપ્લાયર નથી, બીજી ચારથી પાંચ કંપનીઓ પણ ઘી મોકલે છે.’ તિરુપતિ મંદિરને માત્ર ૩૨૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવે ઘી સપ્લાય કરવાના મુદ્દે કંપનીએ જણાવ્યું હતું કે અમે મંદિરને સીધું ડોનેશન આપવાને બદલે ઘીનો ભાવ ઓછો કરીને આપતા હતા જેથી અમે આડકતરી રીતે મંદિરને દાન આપતા હતા.
સનાતન ધર્મ રક્ષણ બોર્ડ બનાવવાની પવન કલ્યાણની માગણી
લાડુના મુદ્દે વિવાદ ઊભો થયા બાદ આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને જન સેના પાર્ટીના ચીફ પવન કલ્યાણે ગઈ કાલે કહ્યું હતું કે ‘હવે સનાતન ધર્મ રક્ષણ બોર્ડ બનાવવાનો સમય આવી ગયો છે. તિરુપતિ બાલાજીના પ્રસાદમાં જો ફિશ ઑઇલ, ડુક્કરની ચરબી અને ગૌમાંસની ચરબીનો ઉપયોગ થતો હોય તો એ ઘટના દુખદાયક બાબત છે. જગનમોહન રેડ્ડીની સરકારે બનાવેલા TTD બોર્ડે ઘણા સવાલોના જવાબો આપવા પડશે. આખા દેશનાં હિન્દુ મંદિરોના મુદ્દે સનાતન ધર્મ રક્ષણ બોર્ડ સ્થાપિત કરવાની જરૂર છે. આ મુદ્દે નીતિ ઘડવૈયાઓ, ધાર્મિક અગ્રણીઓ, કાનૂની જાણકારો, નાગરિકો અને મીડિયાએ ડિબેટ કરવાની જરૂર છે.’
BJPનો આરોપ
ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી સાથે ગઠબંધન ધરાવતા BJPના નેતા બાંદી સંજયકુમારે આરોપ લગાવ્યો હતો કે જગનમોહન રેડ્ડીની સરકારે ભુલાવી ન શકાય એવું પાપ કર્યું છે. કેન્દ્રમાં પ્રધાન એવા સંજયકુમાર મંદિર પ્રશાસન બોર્ડમાં મેમ્બર રહી ચૂક્યા છે અને તેમણે આ વિવાદને કોમી રૂપ આપતાં આરોપ લગાવ્યો હતો કે ‘મંદિર પ્રશાસન દ્વારા બોર્ડમાં અન્ય ધર્મના લોકોને સ્થાન આપવામાં આવ્યું હતું અને તેથી ભેળસેળવાળું ઘી પ્રસાદ બનાવવામાં વાપરવામાં આવતું હતું. આ મુદ્દે હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા માટે જગનમોહન રેડ્ડી પર કેસ કરવામાં આવવો જોઈએ.’
જગનમોહન રેડ્ડીએ શું કહ્યું?
તિરુપતિ બાલાજીના પ્રસાદના મુદ્દે ઊભા થયેલા વિવાદ બાબતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ કહ્યું હતું કે ‘મારી સરકારે કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું નહોતું. ચંદ્રાબાબુ નાયડુ ભગવાનના નામે રાજકારણ ખેલી રહ્યા છે. આ વિવાદની કોઈ આવશ્યકતા નથી. ઘી ખરીદવાની પ્રોસેસ એકદમ પારદર્શક હતી. ખુદ TTD બોર્ડ પણ ઘીની ક્વૉલિટી વિશે નિયમિત ચકાસણી કરે છે. ઘણાં વર્ષોથી આ પ્રક્રિયાનો અમલ થઈ રહ્યો છે. ચંદ્રાબાબુ નાયડુ ૧૦૦ દિવસમાં તેમણે કોઈ કામ કર્યાં નથી એની નાકામી છુપાવવા માટે આ વિવાદ ઊભો કરી રહ્યા છે. ચૂંટણી વખતે તેમણે સુપર સિક્સ વાયદા કર્યા હતા એનું શું થયું એ જનતા જાણવા માગે છે.’ ઘીની ખરીદીના મુદ્દે બોલતાં જગનમોહન રેડ્ડીએ કહ્યું હતું કે ‘ઘીની ખરીદીની ટેન્ડર-પ્રક્રિયા દર છ મહિને થાય છે. એ બાબતે કોઈ ફેરફાર કરાયો નથી. અમે અમારી સરકાર વખતે ૧૮ વખત ઘીનાં સૅમ્પલ રિજેક્ટ કર્યાં હતાં.’
અયોધ્યામાં એક લાખ લાડુ મોકલવામાં આવ્યા હતા
તિરુપતિ મંદિરે અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે એક લાખ લાડુનો પ્રસાદ મોકલ્યો હતો. હવે ઘીમાં ચરબીનો વપરાશ થતો હોવાનો રિપોર્ટ આવતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે લાલ આંખ કરી છે. એણે મુખપત્ર પાંચજન્યમાં જણાવ્યું છે કે તિરુપતિથી એક લાખ લાડુ આવેલા એ ભાવિકોમાં વિતરિત કરાયા હતા.