રાજસ્થાનમાં વૃદ્ધ દંપતીએ ઘરમાં પાણીની ટાંકીમાં આત્મહત્યા કરી

12 October, 2024 09:44 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

કટોરો લઈને ભીખ માગો, ખાવાનું નહીં મળે, મારી નાખીશું એવી ધમકી પુત્રો, પુત્રવધૂઓ અને દીકરીઓ આપતાં હતાં એવો આક્ષેપ

પ્રતીકાત્મક તસવીર

કટોરો લઈને ભીખ માગો, ખાવાનું નહીં મળે, મારી નાખીશું એવી ધમકી પુત્રો, પુત્રવધૂઓ અને દીકરીઓ આપતાં હતાં એવો આક્ષેપ: ઘરની દીવાલ પર દંપતીએ ચોંટાડી સુસાઇડ-નોટ,  પુત્રોએ પાંચ વાર માર માર્યો હોવાનો અને ત્રણ પ્લૉટ તથા કાર સંતાનોએ છેતરપિંડીથી પડાવી લીધાં હોવાનો ઉલ્લેખ

રાજસ્થાનના નાગૌરમાં આવેલી કરણી કૉલોનીમાં ૭૦ વર્ષના હઝારીરામ બિશ્નોઈ અને તેમની ૬૮ વર્ષની પત્ની ચાવલીદેવીએ ઘરમાં આવેલી પાણીની ટાંકીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી અને આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ઘરની દીવાલો પરથી સુસાઇડ-નોટ મળી આવી છે અને એમાં સંતાનો દ્વારા આપવામાં આવેલા ત્રાસને કારણે દંપતીએ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.

શું છે બનાવ?

આ દંપતી બે-ત્રણ દિવસથી દેખાતું ન હોવાથી પાડોશીઓએ તેમનાં સંતાનોને જાણ કરી હતી. ઘર બંધ હોવાથી પોલીસને બોલાવવામાં આવી હતી. ગુરુવારે પોલીસે ઘર ખોલીને જોયું તો તેમને વૃદ્ધ દંપતીના મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યા હતા. ઘરની દીવાલ પર સુસાઇડ-નોટ મળી હતી.

શું આપ્યો ત્રાસ?

દંપતીએ સુસાઇડ-નોટમાં બે પુત્રો દ્વારા કમસે કમ પાંચ વાર પિટાઈ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. સંતાનોએ તેમને મારી નાખવાની ધમકી આપી હતી અને તેમને ખાવાનું આપવાનું બંધ કરી દીધું હતું અને કટોરો લઈને ભીખ માગવા જણાવ્યું હતું.

કેટલાં સંતાન?

આ દંપતીને રાજેન્દ્ર અને સુનીલ નામના બે પુત્રો છે અને પુત્રવધૂઓ રોશની અને અનિતા છે. આ સિવાય બે દીકરીઓ મંજુ અને સુનીતા છે. સુસાઇડ નોટમાં તેમનાં અને બીજાં સંબંધીઓનાં નામ લખવામાં આવ્યાં છે અને તેમણે ત્રાસ આપ્યો હોવાનું લખવામાં આવ્યું છે. રાજેન્દ્રએ ત્રણ વાર અને સુનીલે બે વાર આ દંપતીને માર માર્યો હોવાનું એમાં લખવામાં આવ્યું છે. સંતાનોએ તેમને કોઈને આ વિશે કહેવાનું કે ફરિયાદ નહીં કરવાની ધમકી આપી હતી.

સંપત્તિ પડાવી લીધી

સુસાઇડ-નોટમાં લખવામાં આવ્યું છે કે સંતાનોએ ત્રણ પ્લૉટ અને કારની માલિકી છેતરપિંડીથી મેળવી લીધાં હતાં છતાં તેઓ માતાપિતા સાથે ઝઘડતાં હતાં. કાર વેચતાં મળેલી રકમ રાજેન્દ્ર, મંજુ અને સુનીતાને મળી હતી અને કરણી કૉલોનીના ઘરને સુનીલ અને તેની પત્ની અનીતાના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.

ખાવાનું આપતાં નહોતાં

બધું પડાવી લીધા બાદ સંતાનો તેમને ખાવાનું આપતાં નહોતાં અને ફોન પર રોજ તેમનું અપમાન કરતાં હતાં. સુસાઇડ-નોટમાં લખવામાં આવ્યું છે કે સુનીલે તેમને કહ્યું હતું કે ‘કટોરો લો, ખાવાનું મેળવવા ભીખ માગો. હું તમને ખાવાનું આપીશ નહીં. જો આ વિશે તમે કોઈને કહેશો તો હું તમને મારી નાખીશ.’

પોલીસ-તપાસ શરૂ

આ કેસ વિશે જાણકારી આપતાં નાગૌરના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ નારાયણ ટોગાસે કહ્યું હતું કે ‘ઘરમાં અન્ય કોઈની અવરજવર દેખાઈ નથી, અમે CCTV ફુટેજ ચેક કરી રહ્યા છીએ. ઘરની ચાવીઓ હઝારીરામના પૉકેટમાંથી મળી આવી હતી. ડેડ-બૉડીને અમે પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધી છે. તમામ ઍન્ગલથી તપાસ જારી છે.

બીજી તરફ સોમવારે સુનીલે પોલીસને એક નિવેદન આપ્યું હતું, જેમાં તેણે એવું જણાવ્યું છે કે મારાં માતા-પિતા અમને ધમકી આપતાં હતાં કે તમને સુસાઇડ કેસમાં ફસાવી દઈશું.

 

national news india rajasthan suicide Crime News