એક હજાર ફુટની ઊંચાઈએ ઍર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટના એન્જિનમાં આગ લાગી

04 February, 2023 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍર ઇન્ડિયા એક્સપ્રેસની અબુ ધાબીથી કોઝિકોડ માટેની ફ્લાઇટ પાછી અબુ ધાબી ઍરપોર્ટ પર લૅન્ડ થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

કાલિકટ: ઍર ઇન્ડિયા એક્સપ્રેસની અબુ ધાબીથી કોઝિકોડ માટેની ફ્લાઇટ પાછી અબુ ધાબી ઍરપોર્ટ પર લૅન્ડ થઈ હતી. ગઈ કાલે ઉડાન બાદ તરત જ એના એક એ​​ન્જિનમાં આગ લાગી હોવાનું ધ્યાનમાં આવતાં એનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઍર ઇન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે આ પ્લેન સુરક્ષિત રીતે લૅન્ડ થયું હતું અને તમામ પૅસેન્જર્સ સેફ છે. ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ ગઈ કાલે જણાવ્યું હતું કે આ ફ્લાઇટમાં ૧૮૪ પૅસેન્જર્સ હતા.
ડીજીસીએએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘ઍર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આઇએક્સ 348 (અબુ ધાબી-કાલિકટ) ઑપરેટ કરતું બી737-800 વીટી-એવાયસી પ્લેન એક હજાર ફુટની ઊંચાઈએ પસાર થઈ રહ્યું હતું ત્યારે એના એક એન્જિનમાં આગ લાગવાને કારણે એણે પાછા ફરવું પડ્યું હતું.’ ડીજીસીએએ આ ઘટનાની તપાસ માટે ઑર્ડર આપ્યો છે.
આ પહેલાં ૨૩મી જાન્યુઆરીએ ઍર ઇન્ડિયા એક્સપ્રેસની ત્રિવેન્દ્રમથી મસ્કતની ફ્લાઇટે ઉડાન ભર્યાની ૪૫ મિનિટ બાદ ટેક્નિકલ ખામીને કારણે પાછા ફરવું પડ્યું હતું.

national news air india