બંદૂક અને તલવાર લઈને ખાલિસ્તાની સપોર્ટર્સે પોલીસ-સ્ટેશન પર કર્યો હુમલો

24 February, 2023 10:51 AM IST  |  Amritsar | Gujarati Mid-day Correspondent

પોલીસે અમૃતપાલ અને તેના સપોર્ટર્સની વિરુદ્ધ એક માણસનું અપહરણ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો

અમ્રિતસરમાં અજનાલામાં ગઈ કાલે બંદૂકો અને તલવારો સાથે પોલીસ પર તૂટી પડેલા અમૃતપાલ સિંહના સમર્થકો.

અમ્રિતસર (પી.ટી.આઇ.) : ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહના સપોર્ટર્સ અને પોલીસની વચ્ચે ગઈ કાલે જબરદસ્ત ઘર્ષણ થયું હતું. આ સપોર્ટર્સ પંજાબના અમ્રિતસર જિલ્લામાં એક પોલીસ કૉમ્પ્લેક્સમાં ધસી ગયા હતા. તેઓ અમૃતપાલના એક સાથીની ધરપકડનો વિરોધ કરી રહ્યા હતા. પોલીસે અમૃતપાલ અને તેના સપોર્ટર્સની વિરુદ્ધ એક માણસનું અપહરણ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. તલવારો અને બંદૂકો લઈને ખૂબ જ મોટી સંખ્યામાં સપોર્ટર્સ અમ્રિતસરમાં અજનાલામાં પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થયા હતા. અમૃતપાલ ખાલિસ્તાની નેતા છે અને વારિસ પંજાબ દે સંગઠનનો અધ્યક્ષ છે. 

અજનાલામાં પહોંચતાં પહેલાં આ સપોર્ટર્સે કપુરથલા જિલ્લામાં ધિલવાન ટોલ પ્લાઝા ખાતે રોડની વચ્ચોવચ્ચ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેઓ અમ્રિતસર તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. જોકે બાદમાં પોલીસે તેમને અજનાલા પોલીસ સ્ટેશન તરફ કૂચ કરવાની છૂટ આપી હતી. 

તેમના વિરોધ-પ્રદર્શનના કારણે અમ્રિતસર-દિલ્હી નૅશનલ હાઇવે પર ટ્રાફિક જૅમ થયો હતો. અમૃતપાલ અને તેના સપોર્ટર્સને અજનાલા બસ સ્ટૅન્ડ પાસે બૅરિકેડ્સ લગાવીને પોલીસે અટકાવ્યા હતા. જોકે તેઓ બૅરિકેડ્સ તોડીને આગળ વધ્યા અને પોલીસ-સ્ટેશનની અંદર જવામાં પણ સફળ રહ્યા હતા. એ દરમ્યાન પોલીસની સાથે તેમનું ઘર્ષણ થયું હતું. 

national news amritsar punjab