12 May, 2024 11:16 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
વચગાળાના જામીન મળ્યા બાદ તિહાડ જેલમાંથી બહાર આવીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દેશના મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે આવતા વર્ષે ૧૭ સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી ૭૫ વર્ષના થઈ જશે એટલે રિટાયર થઈ જશે અને આમ મોદીજી અમિત શાહને વડા પ્રધાન બનાવવા માટે મત માગી રહ્યા છે, પણ મોદીની ગૅરન્ટી કોણ પૂરી કરશે. જોકે કેજરીવાલના આ નિવેદન બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેલંગણમાં એક પત્રકારપરિષદમાં એકદમ સ્પષ્ટ વાત કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બનશે એ બાબતે BJPમાં કોઈ કન્ફ્યુઝન નથી
અરવિંદ કેજરીવાલે કરેલી ટિપ્પણી વિશે બોલતાં અમિત શાહે કહ્યું હતું કે ‘હું અરવિંદ કેજરીવાલ ઍન્ડ કંપની અને INDIA અલાયન્સને કહેવા માગું છું કે મોદીજી ૭૪ વર્ષના થઈ જશે એમાં તમારે આનંદિત થવાની કોઈ જરૂર નથી. આ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંવિધાનમાં લખ્યું નથી. મોદીજી આ ટર્મ પૂરી કરશે અને મોદીજી જ આગળ દેશનું નેતૃત્વ કરશે. આ મુદ્દે BJPમાં કોઈ કન્ફ્યુઝન નથી.’
ચૂંટણીમાં સફળતા બાબતે બોલતાં અમિત શાહે કહ્યું હતું કે ‘હું આજે આપ સૌને જણાવવા માગું છું કે ત્રણ તબક્કાની ચૂંટણીમાં BJPના નેતૃત્વમાં નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ના તમામ સાથીઓ ૨૦૦ બેઠકોના આંકડાની પાસે પહોંચી ગયા છે. મતદાનનો ચોથો તબક્કો NDA માટે ઘણો સારો છે. અમને સૌથી વધારે સફળતા ચોથા તબક્કામાં મળશે અને નિશ્ચિતરૂપથી અમે ૪૦૦ બેઠકોના આંકડાને પાર કરીને આગળ વધીશું. આ વખતે BJP તેલંગણમાં ૧૦થી વધારે બેઠકો પર જીત મેળવશે.’
આમ આદમી પાર્ટી (AAP)ની ઑફિસમાં પત્રકારોને સંબોધતાં ગઈ કાલે કેજરીવાલે BJPને સવાલ કરતાં પૂછ્યું હતું કે ‘તમે લોકો પૂછી રહ્યા છો કે અમારો વડા પ્રધાન પદનો દાવેદાર કોણ છે, પણ આજે હું પૂછવા માગું છું કે તમારો વડા પ્રધાન પદનો દાવેદાર કોણ છે? મોદીજી આવતા વર્ષે ૧૭ સપ્ટેમ્બરે ૭૫ વર્ષના થઈ રહ્યા છે. ૨૦૧૪માં જ મોદીજીએ નિયમ બનાવ્યો હતો કે BJPમાં જે ૭૫ વર્ષનો થશે તેને રિટાયર કરી દેવામાં આવશે. સૌથી પહેલાં લાલકૃષ્ણ અડવાણીને રિટાયર કરી દેવામાં આવ્યા. એ પછી મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન અને યશવંત સિંહાને રિટાયર કરી દેવાયાં. હવે જ્યારે આવતા વર્ષે ૧૭ સપ્ટેમ્બરે મોદીજી રિટાયર થશે ત્યારે તમારો વડા પ્રધાન કોણ હશે? જો BJPની સરકાર બની તો પહેલા બે મહિનામાં યોગીજીને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદેથી હટાવી દેવામાં આવશે. એના પછી મોદીજીના ખાસ પ્રિય અમિત શાહને વડા પ્રધાન બનાવવામાં આવશે. મોદીજી તેમના માટે નહીં, પણ અમિત શાહ માટે મત માગે છે. શું અમિત શાહ મોદીની ગૅરન્ટીઓ પૂરી કરશે?