02 July, 2024 01:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
ભારતમાં ગઈ કાલથી ભારતીય ન્યાય સંહિતા (BNS)નો અમલ થઈ ગયો છે અને આ નવી કાનૂની વ્યવસ્થાના અમલીકરણ વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘હવે દંડની જગ્યા ન્યાયે લીધી છે. દેશની આઝાદીનાં ૭૭ વર્ષ બાદ બ્રિટિશ કાળની કાનૂની વ્યવસ્થાને તિલાંજલિ આપીને આપણે સ્વદેશી કાનૂની વ્યવસ્થા લાગુ કરી છે. આ ન્યાય-વ્યવસ્થાનું ભારતીયકરણ છે. આ કાયદા લાગુ થઈ ગયા છે. અમે ભારતીય બંધારણ મુજબ એમાં કલમ અને ચૅપ્ટરના અગ્રતાક્રમ નક્કી કર્યા છે. મહિલા અને બાળકોને પ્રાથમિકતા આપવાની હતી અને એમ જ કરવામાં આવ્યું છે.’
બ્રિટિશકાલીન ઇન્ડિયન પીનલ કોડની જગ્યા હવે ભારતીય ન્યાય સંહિતા (BNS)એ લીધી છે. એ જ રીતે ક્રિમિનલ પ્રોસીજર કોડના સ્થાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને ઇન્ડિયન એવિડન્સ ઍક્ટની જગ્યાએ હવે ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA)એ સ્થાન લીધું છે.
અમિત શાહે જણાવ્યું હતું કે ‘નવો કાયદો આધુનિક કાનૂની વ્યવસ્થા ઘડી કાઢશે. આવતાં ૫૦ વર્ષમાં થનારા ટેક્નૉલૉજિકલ સુધારાને ધ્યાનમાં રાખીને એમાં કલમ સામેલ કરવામાં આવી છે. મને લાગે છે કે આ દુનિયાની સૌથી આધુનિક ક્રિમિનલ જસ્ટિસ વ્યવસ્થા છે.’
વિપક્ષોના આક્ષેપો પર આપ્યો જવાબ
વિપક્ષો જણાવી રહ્યા છે કે વિપક્ષના ૧૪૬ સંસદસભ્યોને સંસદમાંથી સ્પેન્ડ કર્યા બાદ યોગ્ય પ્રકારે ચર્ચા કર્યા વિના આ કાયદા લાગુ કરવામાં આવ્યા છે. આ સંબંધમાં બોલતાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘વિપક્ષો ફરી જુઠ્ઠું બોલી રહ્યા છે. આ બિલ સંબંધે લોકસભામાં ૯ કલાક ૨૯ મિનિટ સુધી ચર્ચા થઈ હતી જેમાં ૩૪ મેમ્બરોએ ભાગ લીધો હતો. રાજ્યસભામાં આ મુદ્દે ૭ કલાક ચર્ચા થઈ હતી અને ૪૦ મેમ્બરોએ ભાગ લીધો હતો. દરેક મુખ્ય પ્રધાન, સંસદસભ્યો, સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના જજ તથા સરકારી અમલદારો પાસેથી એને માટે સૂચન મગાવવામાં આવ્યાં હતાં અને મેં ખુદ ૧૫૮ બેઠકોની અધ્યક્ષતા કરી હતી. ત્યાર બાદ આ બિલ ઘડવામાં આવ્યું હતું. સંસદમાં એ મંજૂર થયું નહોતું અને સ્ટૅન્ડિંગ કમિટીને મોકલવામાં આવ્યું હતું. ફરી એના પર ત્રણ મહિના ચર્ચા થઈ હતી અને એમાં તમામ પાર્ટીના સભ્યોએ ભાગ લીધો હતો. સભ્યોનાં તમામ સૂચનોને એમાં સામેલ કરવામાં આવ્યાં છે અને ૯૩ સુધારા કરવામાં આવ્યા છે. આમ છતાં સદીઓ જૂના આ કાયદાને બદલવાની પ્રક્રિયાને રાજકીય રંગ આપવો યોગ્ય નથી. આ કાયદા ૧૪૦ કરોડ દેશવાસીઓ માટે બનાવવામાં આવ્યા છે.’