મિઝોરમમાં સાત વર્ષની બાળકીએ ગાયેલા વંદે માતરમ‍્થી મંત્રમુગ્ધ થયેલા અમિત શાહે ગિફ્ટમાં આપી ગિટાર

17 March, 2025 10:50 AM IST  |  Mizoram | Gujarati Mid-day Correspondent

સાત વર્ષની બાળકીનો ભારત માતા પ્રત્યેનો પ્રેમ એના ગીતમાં દેખાઈ રહ્યો હતો, જેને સાંભળવું એક મંત્રમુગ્ધ કરી દેતો અનુભવ બની ગયો

મિઝોરમમાં સાત વર્ષની બાળકીએ ગાયેલા વંદે માતરમ‍્થી મંત્રમુગ્ધ થયેલા અમિત શાહે ગિફ્ટમાં આપી ગિટાર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગઈ કાલે મિઝોરમની રાજધાની આઇઝોલથી ૧૫ કિલોમીટર દૂર જોખાવસાંગમાં આસામ રાઇફલ્સના એક સમારોહમાં ભાગ લેવા ગયા હતા જ્યાં સાત વર્ષની બાળકીએ રજૂ કરેલા ‘વંદે માતરમ‍્’ ગીતથી પ્રભાવિત થયા હતા. મંચ પરથી સાત વર્ષની એસ્તેર લાલદુહાવમી હનામતેએ ‘માં તુઝે સલામ, વંદે માતરમ‍્’ ગીત રજૂ કર્યું હતું, જે સાંભળીને અમિત શાહ મંત્રમુગ્ધ થયા હતા. આ બાળકીના માસૂમ અવાજમાં દેશભક્તિનો એવો જોશ હતો કે સમારોહમાં ઉપસ્થિત તમામ લોકો તેના ગીતથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ ગીત અને એ પળે અમિત શાહને પણ ભાવુક કરી દીધા હતા અને તેમણે આ બાળકીનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.

આ વિડિયો શૅર કરીને અમિત શાહે લખ્યું કે ‘ભારત પ્રત્યેનો પ્રેમ આપણને સૌને જોડે છે. મિઝોરમના આઇઝોલમાં આ અદ્ભુત બાળકી એસ્તેર લાલદુહાવમી હનામતેને ‘વંદે માતરમ્’ ગાતાં સાંભળીને ઘણો ભાવુક થયો. સાત વર્ષની બાળકીનો ભારત માતા પ્રત્યેનો પ્રેમ એના ગીતમાં દેખાઈ રહ્યો હતો, જેને સાંભળવું એક મંત્રમુગ્ધ કરી દેતો અનુભવ બની ગયો. મેં તેને એક ગિટાર ગિફ્ટમાં આપી અને તેના ઉજ્જ્વળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા.’

amit shah mizoram national news news social media viral videos