કૅબિનેટમાં ફેરફારની ચર્ચા વચ્ચે સોમવારે પ્રધાનોની મીટિંગ યોજાશે

30 June, 2023 10:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પીએમના નિવાસસ્થાને પાંચ કલાક કરતાં વધારે સમય સુધી ચાલેલી મીટિંગમાં વડા પ્રધાને લીડર્સને ગરીબો અને મિડલ ક્લાસનું ધ્યાન રાખવા જણાવ્યું, યુનિફૉર્મ સિવિલ કોડ બાદ રોડમૅપમાં નેક્સ્ટ સ્ટેજ

ફાઇલ તસવીર

કેન્દ્રીય કૅબિનેટમાં ફેરફારોની અટકળો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે કેન્દ્રીય પ્રધાન પરિષદની મીટિંગ યોજાશે. કેન્દ્રીય પ્રધાન પરિષદની છેલ્લી મીટિંગ કેન્દ્રીય બજેટની રજૂઆત પહેલાં આ વર્ષે જાન્યુઆરીમાં યોજાઈ હતી. જોકે આગામી મીટિંગ વધારે મહત્ત્વપૂર્ણ રહેશે એમ મનાય છે, કેમ કે મોદી સરકારનાં નવ વર્ષ પૂરાં થયા બાદ એ યોજાઈ રહી છે. દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે થોડા સમય પહેલાં જ તૈયાર થયેલા કન્વેન્શન સેન્ટરમાં ત્રીજી જુલાઈની મીટિંગ યોજાવાની શક્યતા છે.

આગામી લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર અને સંગઠનમાં વ્યાપક ફેરફારો કરવામાં આવશે. અનેક લીડર્સને રાજ્યોની જવાબદારી સોંપવામાં આવશે.

નોંધપાત્ર છે કે બીજેપી આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના જંગ માટે ઍક્શન મોડમાં છે. આ પાર્ટીએ વ્યૂહરચના વિશે ચર્ચા કરવા માટે બુધવારે મોડી રાત્રે મીટિંગ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાયેલી આ મીટિંગમાં ગૃહપ્રધાન અમિત શાહ, બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને પાર્ટીના અન્ય સિનિયર લીડર્સ હાજર હતા. વડા પ્રધાને આ પહેલાં યુનિફૉર્મ સિવિલ કોડનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પછી રૉડમૅપના ભાગરૂપે તેમણે આ મીટિંગમાં લીડર્સને ગરીબો, વંચિતો, પછાત વર્ગો તેમ જ મિડલ ક્લાસ પર સ્પેશ્યલ ફોકસ કરવાની સલાહ આપી હતી. પાંચ કલાક કરતાં વધારે સમય સુધી ચાલેલી આ મીટિંગમાં સરકાર અને સંગઠનમાં મોટા પાયે ફેરફારો કરવા માટે ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ત્રણ તબક્કાની મીટિંગ

હવે ત્રણ તબક્કાની મીટિંગ થશે. એક મીટિંગ છઠ્ઠી જુલાઈએ ગુવાહાટીમાં થશે, જેમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર તેમ જ પૂર્વોત્તરનાં તમામ રાજ્યોના બીજેપીના યુનિટ્સની મીટિંગ થશે; જેના પછી સાતમી જુલાઈએ દિલ્હીમાં મીટિંગ થશે, જેમાં જમ્મુ-કાશ્મીર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિતનાં ઉત્તર ભારતનાં રાજ્યોના બીજેપીના યુનિટ્સની મીટિંગ થશે. ત્રીજી મીટિંગ હૈદરાબાદમાં આઠમી જુલાઈએ થશે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણ, કેરલા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ સહિતનાં રાજ્યોના પાર્ટીના પસંદગીના લીડર્સ ભાગ લેશે. આ ત્રણેય મીટિંગમાં પસંદગીના સંસદસભ્યો અને વિધાનસભ્યો ભાગ લેશે.  

સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા પર ભાર

bharatiya janata party narendra modi national news