15 February, 2023 10:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે બીબીસીની ઑફિસમાં ઇન્કમ ટૅક્સ ઑફિસર્સે સર્વે ઑપરેશન શરૂ કર્યા બાદ આ ઑફિસ બિલ્ડિંગના રિસેપ્શન ડેસ્ક પાસે એક પોલીસ ઑફિસર. તસવીર એ.એફ.પી.
એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ શાસકની ટીકા કરનારા મીડિયાને હૅરૅસમેન્ટ કરવા સરકારી એજન્સીઓના ઉપયોગના ટ્રેન્ડના ભાગરૂપે આ સર્વે કરાયો હોવાનું જણાવ્યું હતું.
નવી દિલ્હી : ઇન્કમ ટૅક્સ ઑફિસર્સે ગઈ કાલે સવારે દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઑફિસોમાં સર્વે ઑપરેશન શરૂ કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી અને ૨૦૦૨માં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોને સંબંધિત બીબીસીની ડૉક્યુમેન્ટરીએ ખૂબ વિવાદો સર્જ્યા એનાં થોડાં અઠવાડિયાં બાદ આ સરપ્રાઇઝ ઍક્શન લેવામાં આવી છે. નવી દિલ્હી અને મુંબઈ સહિત વીસ જગ્યાએ બીબીસીની ઑફિસો કે પ્રોડક્શન હાઉસો પર ઇનકમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટનું સર્વે-ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વિપક્ષો આ સરપ્રાઇઝ ઍક્શનને બીબીસીની પીએમ મોદી પરની ડૉક્યુમેન્ટરીના બદલાની કાર્યવાહી તરીકે જોઈ રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કથિત ટૅક્સ ચોરીની તપાસના ભાગરૂપે જ દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઑફિસોમાં સર્વે ઑપરેશન હાથ ધરાયું હતું.
લગભગ ૨૦ ટૅક્સ અધિકારીઓ બીબીસીની દિલ્હી ઑફિસમાં પહોંચ્યા હતા. મુંબઈમાં બીબીસી સ્ટુડિયોમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું.
ડૉક્યુમેન્ટ્સ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. પત્રકારોનાં ફોન્સ અને લૅપટૉપ્સ પણ લઈ લેવામાં આવ્યાં હતાં. સર્વે દરમ્યાન ઑફિસો સીલ કરી દેવામાં આવી હતી અને એમ્પ્લૉઇઝને કોઈને વિગત ન આપવા માટે કહેવામાં આવ્યું હતું.
ટૅક્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સર્ચ નહીં, પરંતુ સર્વે હતો અને ફોન્સ પાછા આપી દેવામાં આવશે. ઇન્કમ ટૅક્સનાં સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘અમે થોડો ખુલાસો ઇચ્છતા હતા અને એના માટે અમારી ટીમ બીબીસીની ઑફિસોમાં ગઈ હતી અને અમે સર્વે કરી રહ્યા છીએ. અમારા ઑફિસર્સ અકાઉન્ટ બુક્સ ચેક કરવા માટે ગયા છે, એ સર્ચ ઑપરેશન નહોતું.’
સૂત્રોએ જણાવ્યું હતું કે ટૅક્સ અધિકારીઓએ બીબીસીના ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટને એની બૅલૅન્સ શીટ અને અકાઉન્ટ્સની વિગતો પૂરી પાડવા જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બીબીસીની પેટા કંપનીઓની ટ્રાન્સફર પ્રાઇસિંગ અને ઇન્ટરનૅશનલ ટૅક્સેશનને સંબંધિત મુદ્દાઓની તપાસ કરવા માટે આ સર્વે કરવામાં આવ્યો હતો. બીબીસીને ભૂતકાળમાં પણ નૉટિસ આપવામાં આવી હતી, પરંતુ એનું પાલન કરવામાં નહોતું આવ્યું. બીબીસીએ એના પ્રૉફિટને નોંધપાત્ર રીતે ડાઇવર્ટ કર્યો હતો.
બીબીસી રિસન્ટલી એની બે પાર્ટ્સની સિરીઝ ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ના કારણે ચર્ચામાં હતું. કેન્દ્ર સરકારે આ વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીની લિન્ક્સ શૅર કરતી ટ્વિટર પોસ્ટ્સ અને યુટ્યુબ વિડિયોઝને બ્લૉક કરવાનો આદેશ આપ્યો હતો.
મુંબઈમાં ત્રણ જગ્યાએ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ દ્વારા આ ઍક્શન શરૂ કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઑફિસોમાં સવારે ૧૧ વાગ્યાથી એકસાથે સરપ્રાઇઝ ઍક્શન શરૂ થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બીબીસીની પેટા કંપનીઓના ઇન્ટરનૅશનલ ટૅક્સેશન ઇશ્યુઓને સંબંધિત આ તપાસ હતી.
આ સર્વેના ન્યુઝ ફેલાઈ જતાં દિલ્હીના કસ્તુરબા ગાંધી માર્ગ ખાતે બીબીસીની ઑફિસની બહાર મીડિયાનું ક્રૂ અને લોકો પહોંચી ગયા હતા. મુંબઈમાં સાંતાક્રુઝમાં બીબીસીની ઑફિસ છે.
સર્વેના ભાગરૂપે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ માત્ર કંપનીનું બિઝનેસ પ્રિમાઇસિસ જ કવર કરે છે. ડિરેક્ટર્સ કે પ્રમોટર્સનાં નિવાસસ્થાન અને અન્ય લૉકેશન્સ પર દરોડા પાડવામાં આવતા નથી.
આ પણ વાંચો: પ્રતીકાત્મક તસવીર BBCની ઑફિસોમાં ઈનકમ ટેક્સ સર્વે પર વિપક્ષે સરકારને ઘેરી
બીબીસીએ શું કહ્યું?
બીબીસીની પ્રેસ ઑફિસે ટ્વીટ કર્યું હતું કે ‘નવી દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઑફિસોમાં અત્યારે ઇન્કમ-ટૅક્સ ઑથોરિટીઝ છે અને અમે સંપૂર્ણપણે સહકાર આપીએ છીએ. અમને આશા છે કે આ પરિસ્થિતિનો જેમ બને એમ જલદી ઉકેલ આવી જાય.’
જયરામ રમેશ, કૉન્ગ્રેસના મહાસચિવ
અહીં અમે અદાણીના મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની માગણી કરી રહ્યા છીએ અને સરકાર બીબીસીની પાછળ પડી છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.
બીબીસી દુનિયામાં સૌથી ભ્રષ્ટ સંગઠન છે. કૉન્ગ્રેસે યાદ કરવું જોઈએ કે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ બીબીસી પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતની વિરુદ્ધ ખરાબ નિયતથી કામ કરવાનો બીબીસીનો કલંકિત અને બ્લૅક ઇતિહાસ રહ્યો છે.
મહુઆ મોઇત્રા તૃણમૂલ કૉન્ગ્રેસનાં સંસદસભ્ય
બીબીસીની દિલ્હીની ઑફિસમાં ઇનકમ-ટૅક્સની રેઇડના રિપોર્ટ્સ. વાઉ, રિયલી, કેટલું અણધાર્યું. દરમ્યાન અદાણી સેબીની ઑફિસમાં એના ચૅરમૅનની સાથે વાતચીત કરવા પહોંચ્યા ત્યારે તેમના માટે ફરસાણ-સેવા.